ખેલાડી’ અક્ષય કુમાર હાલ મુંબઈના જૂહુ વિસ્તારમાં રહે છે અને હવે તેણે એક નવું સરનામું મેળવ્યું છે અને તે પણ ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (‘ગિફ્ટ’) સિટીમાં. એક્ટરે મરિના સ્કીમમાં એક ભવ્ય ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું હોવાના અહેવાલ છે, જે એક રેસિડેન્સિયલ પ્રોજેક્ટ છે. ‘ગિફટ’ સિટીમાં વૈશ્વિક નાણાકીય કંપનીઓના રસમાં વધારો થવાથી રહેણાંકની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ‘ગિફ્ટ’ સિટી ઝડપથી વૈશ્વિક નાણાકીય હબ તરીકે ઉભરી રહ્યું છે, જે બેકિંગ, કેપિટલ માર્કેટ, વીમા, ફિનટેક, એરક્રાફટ લીઝિંગ અને બુલિયન એક્સચેન્જ સહિતની નાણાકીય સેવાઓના સમગ્ર સ્પેક્ટ્રમમાં ફેલાયેલી 450 વધુ નોંધાયેલી એન્ટિટી ધરાવે છે.
વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગિફ્ટ’ સિટીની બહારના વ્યક્તિઓને 5 હજાર રેસિડેન્શિયલ યુનિટ વેચવાની મંજૂરી આપવાના નિયમોના પગલે ઉદ્યોગપતિઓ, સીઈઓ અને ઉચ્ચ અધિકારીઓએ છેલ્લા કેટલાક વર્ષમાં આ વિસ્તારમાં પોતાના એપાર્ટમેન્ટ સિક્યોર કર્યા છે. હવે, અક્ષય કુમાર લગભગ 8 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો રિવરફ્રન્ટ-ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેમાં પોતાનો પ્રાઈવેટ સ્વિમિંગ પૂલ પણ છે. જોકે તેણે આ પ્રોપર્ટી કેટલામાં ખરીદી છે
તેનો ખુલાસો હજી સુધી થયો નથી. તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
7 લાખ સ્ક્વેર ફીટ જેટલા વિશાળ વિસ્તારને આવરી લેતા અને 225 રેસિડેન્શિયલ યુનિટ ધરાવતા મરિનાની ગણતરી ગુજરાતના સૌથી લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં થાય છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાની અક્ષય કુમારની રૂચિ અને ‘ગિફ્ટ’ સિટીમાં વ્યવસાયો સાથે નિકટતા સ્થાપિત કરવાની તેની ઈચ્છાએ આ પ્રોપર્ટીમાં રોકાણ કરવાના નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય એક્ટર આ રોકાણને વૈશ્વિક નાણાકીય હબમાં વ્યૂહાત્મક પગલા તરીકે જુએ છે.
‘ગિફટ’ સિટીના રેસિડેન્શિયલ પ્રોજેક્ટે ડેવલપર્સમાં પણ રસ જગાડ્યો છે, છેલ્લા એક વર્ષમાં 30 લાખ સ્ક્વેર ફૂટથી વધુ રેસિડેન્શિયલ પ્રોજેક્ટને મંજૂરી અપાયાના અહેવાલ છે. આ પ્રોજેક્ટને ‘ગિફટ’ સિટીના ડોમેસ્ટિક અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તેમ બંનેમાં વહેંચવામાં આવ્યા છે.