વીતેલા જમાનાની અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાને ચેન્નાઇ કોર્ટે એક જૂનાં કેસમાં છ મહિનાની જેલ અને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. અભિનેત્રીની સાથે તેના બિઝનેસ પાર્ટનર રામ કુમાર અને રાજા બાબુને પણ દોષી ઠેરવાયાં છે. જયાપ્રદા અને બિઝનેસ પાર્ટનરો તે સમયે ચેન્નઈમાં એક મૂવી થિયેટર ધરાવતા હતાં, પરંતુ ખોટને કારણે તેને બંધ કરી દીધું હતું. થિયેટરોમાં કામ કરતા સ્ટાફના સભ્યોએ તેમના પગારમાંથી કપાયેલી ઇએસઆઇની રકમ પરત ચૂકવવામાં નિષ્ફળતા બદલ જયાપ્રદા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ પછી લેબર ડિપાર્ટમેન્ટે જયાપ્રદા, રામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ ચેન્નઈની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જયાપ્રદાએ કથિત રીતે કેસમાં આરોપ સ્વીકારી થિયેટર સ્ટાફને તમામ લેણાં ચૂકવી દેવાનું વચન આપ્યું હતું અને તેમણે કોર્ટને આ કેસ રદ કરવાની પણ વિનંતી કરી હતી. જોકે કોર્ટે અરજી ફગાવી દઇને રૂ. 5,000ના દંડ સાથે 6 માસ જેલની સજા ફટકારી હતી. જયાપ્રદા 70 અને 80ના દાયકામાં તેલુગુ અને હિન્દી બંને ફિલ્મઉદ્યોગમાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હતી. તેમના સમયના સૌથી સુંદર અભિનેત્રી જયાપ્રદાએ ‘સરગમ’, ‘સિંદૂર’, ‘મા’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. કારકિર્દી ટોચ પર હતી ત્યારે ફિલ્મઉદ્યોગ છોડી દઇને તેઓ રાજકારણમાં જોડાયા હતા.