બોલિવૂડ એક્ટર અને બિગ બોસ ફેમ અરમાન કોહલીને ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરવાનો કેસ મોંઘો પડી રહ્યો છે. અરમાન પર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાએ જાતીય શોષણ કરવાનો અને મારપીટ કરવાનો કેસ કર્યો હતો જે લાંબા સમયથી ચાલી રહ્યો હતો. તાજેતરમાં જ બોમ્બે હાઇ કોર્ટે અરમાન કોહલીને ફટકાર લગાવવાની સાથે જ અરમાનને નીરુને તેના બાકીના 50 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. પોતાના કેસ વિશે નીરુએ પણ ખૂલીને વાત કરી હતી અને કહ્યું હતું કે જો અરમાન કોર્ટના આદેશનું પાલન નહીં કરે તો તેણે ફરી વાર જેલમાં જવું પડશે.
નીરુ રંધાવાએ જૂન 2018માં હાઇ કોર્ટમાં પૂર્વ બોયફ્રેન્ડ અરમાન કોહલી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ પછી અરમાનની લોનાવાલાથી ધરપકડ કરાઇ હતી. બાદમાં નીરુ અને અરમાને પરસ્પર સંમતિથી વિવાદનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો અને નીરુએ અરમાન સામેનો કેસ પાછો ખેંચી લીધો. આ સમાધાન પેટે અરમાને નીરુને લગભગ 1 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ રકમમાંથી અરમાને અત્યાર સુધીમાં નીરુને માત્ર 50 લાખ રૂપિયા આપ્યા છે. અરમાને નીરુને બાકીના 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ આ ચેક બાઉન્સ થઈ ગયા હતા. જેના કારણે નીરુએ ફરી એક વાર કોર્ટમાં પહોંચી છે.
નીરુએ કહ્યું છે કે આ કેસ 2018થી ચાલે છે. હું માનું છું કે કાનૂની કામમાં સમય લાગે છે, પરંતુ હું આભારી છું કે કોર્ટે મારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. જો અરમાન બાકીની રકમ મને નહીં આપે તો તેને ફરી જેલમાં જવું પડી શકે છે.