પોતાની કારકિર્દી ટ્રેક પર લાવવા માટે ઘાંઘા થયેલા આમિર ખાને ફરી તેની હિટ ફિલ્મો ‘પીકે’ અને ‘થ્રી ઇડિયટ’ના ડાયરેક્ટર રાજકુમાર હિરાણી સમક્ષ ધા નાખી છે. તેણે હિરાણી સાથે એક બાયોપિક માટે ચર્ચા શરૂ કરી છે. આમિર છેલ્લા કેટલાય સમયથી સારી વાર્તા અને સારા ડાયરેક્ટરની શોધમાં માર્યો માર્યો ફરે છે. જોકે, હજુ સુધી તેને બોલીવૂડમાં કોઈએ દાદ આપી હોય તેમ લાગતું નથી. તેણે સાઉથમાં રાજામૌલી સાથે પણ કેટલાક પ્રોજેક્ટની ચર્ચા કર્યાનું કહેવાય છે.
હવે જાણવા મળ્યા મુજબ આમિરને એક બાયોપિકનો આઇડિયા મળ્યો છે. તેણે રાજકુમાર હિરાણી સાથે આ પ્રોજેક્ટ માટે ચર્ચા કરી છે. આમિરની નજીકના વર્તુળોના દાવા અનુસાર અત્યાર સુધીની ચર્ચા પોઝિટિવ રહી છે અને હિરાણીને આમિરનો આઇડિયા પસંદ પણ આવ્યો છે. જોકે, હિરાણી ખુદ હાલ શાહરુખની ‘ડંકી’ને આખરી સ્પર્શ આપવામાં વ્યસ્ત છે. તે પછી તેઓ આમિરની આ બાયોપિક હાથ ધરે છે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. નવાઈની વાત એ છે કે આમિર ખુદ નિર્માતા તરીકે એક સ્પોર્ટસ બાયોપિક ‘ચેમ્પિયન’ પ્રોડયૂસ કરી રહ્યો છે. તેમાં તેણે એક્ટર તરીકે પહેલાં સલમાન અને પછી રણવીરને નક્કી કર્યો હતો. જોકે હવે ફરહાન અખ્તર તેની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો છે.