‘મિસિસ કપૂર્સ ડોટર્સ વેડિંગ’ થિયેટર શો વેસ્ટ એન્ડમાં પહોંચી સૌપ્રથમ બ્રિટિશ ગુજરાતી નાટ્ય પ્રોડક્શન તરીકે ઈતિહાસ સર્જી રહેલ છે. લંડનના વેસ્ટ એન્ડસ્થિત પ્રતિષ્ઠિત અડેલ્ફી થિયેટરમાં એક રાત્રિનું વિશિષ્ટ પરફોર્મન્સ અરસપરસને સાંકળતા અનુભવની ખાતરી આપે છે તો થિયેટરમાં ઉપસ્થિત દર્શકો નવવધૂનાં પક્ષ (રેડ) અથવા વરરાજાના પક્ષ (બ્લુ) સાથે જોડાઇને તેમાં સામેલ થઇ શકે છે. પરિણામે, સહુ કોઇ માટે આ સાંજ અવિસ્મરણીય અનુભવ બની રહેશે.
‘ગુજરાત સમાચાર’-Asian Voiceના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતી કોમ્યુનિટી માટે આ ઉત્કૃષ્ટ અને ગૌરવપ્રદ પળ છે.’ આરંભથી જ આ શોએ કોમેડી, ડાન્સ અને મ્યુઝિકને વણી લીધા છે તેના થકી ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવવાની સાથે તેને અદ્ભૂત સાંસ્કૃતિક ઘટના સ્વરૂપે પ્રસ્થાપિત કરીને બહોળી પ્રશંસા મેળવી છે. વિદાયની રસમ, વરકન્યાને વીંટી પહેરાવવાની વિધિ અને વરરાજાના પગરખાં સંતાડી દેવાની વિધિ જેવી ભારતીય લગ્નોમાં જોવા મળતી રસપ્રદ વિધિઓથી આ નાટક માત્ર મનોરંજન જ પૂરું નથી પાડતું પરંતુ, સાંસ્કૃતિક શિક્ષણ પણ આપે છે.
નાટ્યપ્રયોગના ત્રણ મહિનાના પ્રવાસની શરૂઆત 6 એપ્રિલથી થઈ છે અને 16 જુલાઈએ લંડનના વેસ્ટ એન્ડના અડેલ્ફી થિયેટરમાં ગ્રાન્ડ ફિનાલે સાથે તેનું સમાપન થશે. આ રાત્રિ માત્ર રેડ કાર્પેટ એક્સક્લુઝિવ ઈવેન્ટ નહિ બની રહે પરંતુ, ‘મિસિસ કપૂર્સ ડોટર્સ વેડિંગ’ ઓડિયન્સના 100,000 મેમ્બર્સ સુધી પહોંચવાનો નોંધપાત્ર માઈલસ્ટોન પણ હાંસલ કરશે. આ અભૂતપૂર્વ સિદ્ધિ તેની સૌથી સફળ બ્રિટિશ એશિયન ટુરિંગ શો તરીકેના સ્થાનને મજબૂત બનાવશે.
આ નાટ્યનિર્માણ પાછળના સ્વપ્નસેવી અર્ચના કુમારે રંગમંચ પર બ્રિટિશ એશિયન સંસ્કૃતિને દર્શાવવા માટે પોતાના રોમાંચને દર્શાવતાં જણાવ્યું હતું કે, ‘આ નિર્માણ માત્ર તમાશો નથી પરંતુ, આપણી બ્રિટિશ એશિયન ઓળખનાં સત્વનો પુરાવો છે. આ આપણા મૂળિયાંનું સન્માન કરવાં, આપણી પરંપરાઓને સ્વીકારવા અને આપણા વિશેની પરિભાષા સ્પષ્ટ કરતા વૈવિધ્યપૂર્ણ વર્ણનોનું પ્રદર્શન છે. આપણે ગુજરાતી સમુદાયની આ ગૌરવશાળી સિદ્ધિ અને ઐતિહાસિક ઈવેન્ટને ઊજવીએ.’
વેસ્ટ એન્ડના અડેલ્ફી થિયેટરમાં 16 જુલાઈએ સાંજના 7 વાગ્યે યોજાનારા ઈવેન્ટની ટિકિટ્સ www.mkdw.co.ukપરથી મેળવી શકાશે.
અર્ચના કુમાર અને હિતેન કુમારના ડિરેક્શનમાં તૈયાર થયેલા આ નાટ્યપ્રયોગમાં અર્ચના કુમાર, મનોજ કેરાઈ, કુશ પટ્ટણી, રીયા પટેલ, બાવિન બાયચંદે, ભાવના પટેલ, વાલીસા ચૌહાણ, રુપલ મારુ, રીઓ જાઈ, ધ્વનિ ઠાકર, વિકી વાઘજીઆની, કરિશ્મા પટેલ, જિનિશા હારીઆ, માયા ગોરીસા, વિનેશ બાર્બર, રામ પટેલ, વિનય મેપાણી, કૌશિક વાઘજી, શાહિદ અબ્બાસ ખાન, અંજ ચૌહાણ અને રાજવી રાજા સહિત પ્રતિભાશાળી કળાકારોએ અભિનયના ઓજસ પાથર્યાં છે.