રિશિ કપૂર અને ઈરફાન ખાન અલગ અલગ પ્રકારના અભિનય માટે પ્રખ્યાત હતા, પરંતુ દર્શકોના દિલોમાં બંનેએ વિશેષ સ્થાન જમાવ્યું છે. હિન્દી સિનેજગતના આ ખાસ સિતારાઓએ એક પછી એક બે દિવસમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ બંને સ્ટાર્સની કેન્સર સામેની જંગની વાત કરીએ તો તેમનામાં ઘણી સામ્યતા છે અથવા તો એમ કહી શકાય કે એક અજબ સંયોગ કહી શકાય.
ઈરફાન ખાન અને રિશિ કપૂર બંને પાછા બે વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. રિશિ કપૂરે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર માટે એક લાંબો સમય પસાર કર્યો હતો અને ઈરફાને પણ લાંબા સમય સુધી લંડનમાં રહીને કેન્સરની સારવાર કરાવી હતી.
બંને પોતાની માતાનાં અંતિમ દર્શન ન કરી શક્યાં
ઈરફાન ખાનની મા સઈદા બેગમનું નિધન તેમના મૃત્યુના ચાર દિવસ પહેલાં જ થયું હતું. ઈરફાન તેમની નાજુક તબિયતના કારણે તે તેમનાં અંતિમ દર્શન ન કરી શક્યા. ઈરફાને વીડિયો કોન્ફરન્સથી માતાના અંતિમ દર્શન કર્યાં હતા. રિશિ કપૂર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ રિશિનાં માતા ક્રિશ્ના કપૂરનું અવસાન થયું હતું. રિશિ પણ પોતાનાં માનાં અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા. કેન્સરની સારવારના કારણે રિશિ ક્રિશ્ના કપૂરની અંતિમ ક્રિયામાં સામેલ થઈ શક્યાં નહોતાં. ક્રિશ્ના કપૂરની અંતિમ ક્રિયા સમયે રિશિ કપૂર, તેમનાં પત્ની નીતુ અને પુત્ર રણબીર રિશિ સાથે અમેરિકામાં હતા.