અમેરિકાના ન્યૂ યોર્ક ખાતેના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર પર ‘મુગલ-એ-આઝમ’ની થીમ પર ડાન્સ-મ્યૂઝિકની ભવ્ય ઈવેન્ટ યોજાઈ હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહેલા વીડિયોમાં 150 જેટલા ડાન્સર્સે ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા...’ ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું. ફ્લેશ મોબના આયોજન અંતર્ગત ડાન્સ શરૂ થતાંની સાથે જ ટાઈમ્સ સ્ક્વેર પર હજારો લોકો ઊભા રહી ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે ગ્રૂપનો ઉત્સાહ વધાર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોમાં કેટલીક ડાન્સર્સ અનારકલી સૂટ અને ટોપી પહેરેલી નજરે પડે છે. પરફોર્મન્સ શરૂ થતાં જ લોકો તેને જોવા અને રેકોર્ડ કરવા લાગે છે. ‘મુગલ-એ-આઝમ: ધ મ્યૂઝિકલ’ નામના શોના પ્રચાર માટે આ આયોજન થયું હતું. બોલિવૂડના પ્રસિદ્ધ ડાયરેક્ટર કે. આસિફની સદાબહાર ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ 1960માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના સંગીતના આધારે શોનું આયોજન કરાયું છે. શોના પ્રોડ્યુસર અને આર્ટિસ્ટ હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે, ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મ હિન્દી સિનેમાની સફળતમ ફિલ્મોની યાદીમાં સામેલ છે. તેમાં નૌશાદનું મ્યૂઝિક અને લતા મંગેશકરનો અવાજ હતો. ફિલ્મનું નિર્માણ શાપુરજી પાલોનજીએ કર્યું હતું. ફિલ્મના મુખ્ય પાત્રો પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર, મધુબાલા અને અજીત કુમાર જેવા તે સમયના દિગ્ગજ કલાકારોએ ભજવ્યા હતા.