ભાસ્કર બેનરજી (અમિતાભ બચ્ચન)નામના વિધુર પુત્રી પીકુ (દીપિકા પાદુકોણ) સાથે દિલ્હીમાં રહેતા હોય છે. ભાસ્કર એક અલગ મિજાજી વ્યક્તિ છે, તેમને વડીલોપાર્જિત મિલ્કતની સાથે કબજિયાત પણ વારસામાં મળી છે. તેઓ હંમેશા પેટની આ તકલીફ અંગે જ ચર્ચા કર્યા કરે છે. તેઓ દરેક વાતમાં લોકોને વણમાગી સલાહ આપે છે. તેમનાથી સહુ કોઇ દૂર રહેવાનું પસંદ કરે છે. ઘરની નોકરાણી પણ તેમના ત્રાસથી કામ છોડી ભાગી જાય છે. પરંતુ પુત્રી અને તેનો એક નોકર તેમને સહન કરે છે.
તેઓ કબજિયાત કેમ મટાડવી અને તેના માટે શું શું કરી શકાય તે અંગે સતત ઉપાયોનું સંશોધન કરે છે. પીકુ એક આર્કિટેક્ચર કંપનીમાં નોકરી કરતી હોય છે, આથી તેને મેસેજમાં સતત કબજિયાતથી અપડેટ રાખે છે અને પીકુની ઓફિસમાં પણ આ વાત સૌ કોઈ જાણતા હોય છે. એક દિવસ તેમને વતન કોલકાતા જવાની ઈચ્છા થાય છે તે પણ ફ્લાઈટ કે ટ્રેન નહીં પણ ટેક્સી દ્વારા. આથી તેઓ એક ટેક્સી ભાડે કરે છે જેનો માલિક પોતે રાણા ચૌધરી (ઈરફાન ખાન) ટેક્સી લઇને આવે છે અને પિતા પુત્રીને કોલકાતા પહોંચાડે છે. માર્ગમાં પણ ભાસ્કર બેનરજીની લપ યથાવત રહે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.