પ્રિયંકા ચોપરાની વેબસીરિઝ ‘સિટાડેલ’ને સારા વ્યૂ પણ નથી મળ્યા કે કોઈએ તેને સારા રિવ્યૂ પણ નથી આપ્યા. આટલી નબળી સીરિઝ બનાવવા બદલ હવે એમેઝોન કંપનીના સીઈઓએ તેના સર્જકો પર પસ્તાળ પાડી છે અને સીરિઝ માટેનું રૂ. 2000 કરોડનું બજેટ ક્યાં કેવી રીતે વાપર્યું તેનો પાઈએ પાઈનો હિસાબ માગ્યો છે. પ્રિયંકા ચોપરા તથા રિચર્ડ મેડનની સીરિઝ બહુ ધૂમધડાકા વચ્ચે રજૂ થઈ હતી. તેનો ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો. પરંતુ, લોકોએ આ સીરિઝને ભારે કંટાળાજનક ગણાવી છે. મોટા ભાગના લોકોએ તેના એક કે બે એપિસોડ જોયા પછી આગળ વધવાનું ટાળ્યું હતું. હોલીવૂડમાં ઓટીટી સીરિઝને રેટિંગ અપાતાં હોય છે. પરંતુ, કોઈ રેટિંગમાં આ સીરિઝ ટોપ ટેનમાં પણ સ્થાન મેળવી શકી નથી.
એમેઝોનના સીઈઓ એન્જી જેસીએ આ મુદ્દે સીરિઝના સર્જકોને આકરો ઠપકો આપ્યો છે અને આટલું જંગી બજેટ હોવા છતાં પણ સમગ્ર સીરિઝ આટલી ખરાબ કેમ બની તે અંગે ખુલાસો પૂછ્યો છે. આ સીરિઝના દરેક એપિસોડ પાછળ આશરે 160 કરોડ રૂપિયાનો ખર્ચ થયાનું કહેવાય છે. જોકે એક પણ એપિસોડમાં આટલો ખર્ચ લેખે લાગ્યો હોય તેવું જણાયું નથી.