મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ પરિવાર તરીકે જેની ગણના થાય છે તે કપૂર ખાનદાનને ૧૦ એપ્રિલે વધુ એક રાષ્ટ્રીય સન્માન મળ્યું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અરુણ જેટલીના હસ્તે ૭૭ વર્ષીય પીઢ અભિનેતા શશિ કપૂરને ૩૪મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો. બોલિવૂડમાં એક જ પરિવાર ત્રીજી વ્યક્તિને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હોય તેવો આ સંભવતઃ પ્રથમ પ્રસંગ છે. અગાઉ પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂર આ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. નાદુરસ્ત તબિયતને કારણે શશિ કપૂર ૩જી મેના રોજ નવી દિલ્હીમાં યોજાયેલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ સમારંભમાં હાજર ન રહી શકતાં મુંબઇમાં રવિવારે પૃથ્વી થિયેટરમાં જ એક વિશેષ સમારંભમાં શશિ કપૂરને આ એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે કપૂર પરિવાર સહિત બોલિવૂડના અનેક દિગ્ગજ ફિલ્મકાર એકત્ર થયા હતા. આ પ્રસંગે અમિતાભ બચ્ચને આભાર પ્રવચન કર્યું હતું.