મહિલા બોક્સર મેરી કોમના જીવનના કેટલાક ખાસ કિસ્સા આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા છે અને તેમાં મેરી કોમની ભૂમિકા પ્રિયંકા ચોપરાએ ભજવી છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મણીપુર અને ઈમ્ફાલમાં થયું છે, જ્યાં મેરી કોમ મોટી થાય છે અને બોક્સિંગની ટ્રેનિંગ લે છે. કાંગથેઈમાં જન્મેલી મેરી કોમ બોક્સિંગ શીખનારી એક માત્ર ટીનેજર હોય છે જે પોતાના પિતાનો રોષ વહોરીને પણ બોક્સિંગ શીખવા જાય છે. અનેક પડકારોનો સામનો કરીને મેરી કોમ પોતાના કોચ એમ. નરજીત સિંહ (સુનિલ થાપા) પાસેથી બોક્સિંગ શીખે છે. ફિલ્મમાં માત્ર મેરી કોમના બોક્સિંગ જ નહીં પરંતુ, તેનું પ્રેમ જીવન, લગ્ન અને તેના બાળકોની પણ વાત છે. તે મા બન્યા બાદ કમબેક કરી ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૨માં કઈ રીતે વર્લ્ડ ચેમ્પિયન બને છે તેનું પણ વર્ણન ફિલ્મમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રમત-ગમત સાથે સંકળાયેલી કેટલીક બદીઓ જેવી કે બિનજવાબદાર અમલદારશાહી પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
• નિર્માતાઃ સંજય લીલા ભણશાળી • દિગ્દર્શકઃ ઓમુંગ કુમાર • લેખકઃ સૈવીન ક્વાદ્રસ • ગીતકારઃ પ્રશાંત ઇંગોલે અને સંદીપ સિંહ • સંગીતકારઃ શશિ સુમન અને શિવમ • ગાયકઃ વિશાલ દદલાણી, અરિજિત સિંહ, મોહિત ચૌહાણ, સલીમ મર્ચન્ટ અને પ્રિયંકા ચોપરા