ભારતમાં આજકાલ ટામેટાંના ભાવ આસમાનને આંબી રહ્યા છે. અને ટામેટાંની મોંઘવારીથી સમાજના તમામ વર્ગના લોકો પરેશાન છે ત્યારે સ્ટાર સુનીલ શેટ્ટી પણ ટામેટાંના ઊંચા દામથી પરેશાન છે. સુનીલે કહ્યું હતું કે મારી પત્ની માના માત્ર એક-બે દિવસના શાકભાજી જ ઘરે લાવે છે. અમે હંમેશા તાજું શાક ખાવામાં જ વિશ્વાસ કરીએ છીએ. જોકે, આજકાલ ટામેટાંના ભાવ વધી રહ્યા છે, જેની અમારા ઘરના સૌ પર પણ અસર દેખાઇ છે. આજકાલ હું ઓછા ટામેટાં ખાઉં છું. શક્ય છે કે લોકોને લાગે કે સુપરસ્ટાર છે, તો મોંઘવારીથી તેને શું ફરક પડશે? પણ આવું કંઇ નથી. અમે પણ આ બધામાંથી પસાર થઇએ છીએ. સુનીલે કહ્યું હતું કે, તમે વિશ્વાસ નહીં કરો કે હું એક એપ મારફત શાકભાજી મંગાવું છું, જેના ભાવ તમે જોશો તો ચકિત થઇ જશો. તેમાં અન્ય માર્ટ્સ અથવા એપ્સ કે શાકમાર્કેટ કરતાં સસ્તા શાક મળે છે. જોકે, માત્ર સસ્તું હોવાને કારણે આ એપ નથી વાપરતો બલકે ત્યાંથી તાજાં શાકભાજી મળે છે. હું એક એક્ટરની સાથે સાથે જ હોટેલ પણ ચલાવું છું. બધી વસ્તુના ભાવતાલ કરું છું. જો મોંઘવારી ઇસ્યુ છે અને ટામેટાંના ભાવ આટલા વધી ગયા છે તો મારે ક્યાંકને ક્યાંક તેના સ્વાદ સાથે સમજૂતી કરવી જ પડશે અને હું કરી પણ રહ્યો છું. સુનીલે કહ્યું હતું કે હું ખંડાલાના મારા ફાર્મહાઉસમાં ખેતી પણ કરું છું.