એક સમયે ખૂબ જ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 14-14 વર્ષ સુધી તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢા બાકી ચૂકવણીના મામલે નિર્માતા આસિત મોદી સામેનો કેસ જીતી ગયા છે. એક સમયે અતિ લોકપ્રિય આ શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું છે. કેટલાય કલાકારો શો છોડી ચૂક્યા છે અને તેમણે મેકર્સ સામે હેરાનગતિ કરવાથી માંડીને ફી ચૂકવવામાં ધાંધિયા કરતા હોવાના આક્ષેપ કરતા રહ્યા છે. આ જ રીતે 14 વર્ષ સુધી તારક મહેતાની ભૂમિકા ભજવીને થોડા સમય પૂર્વે શો છોડી ચૂકેલા શૈલેષ લોઢાએ પણ બાકી નાણાંની ચૂકવણી ન કરવા બદલ નિર્માતાઓ સામે કેસ દાખલ કર્યો હતો. એક અખબારના અહેવાલ અનુસાર શૈલેષ લોઢા આ કેસ જીતી ગયા છે. લોઢાએ તારક મહેતા શોના નિર્માતાઓ વિરુદ્ધ કરેલા કરેલા કેસનો નિર્ણય ગયા મે મહિનામાં આવી ગયો છે. એગ્રીમેન્ટની શરતો મુજબ શોના મેકર આસિત મોદી દ્વારા ડિમાન્ડ ડ્રાફટથી શૈલેષને 1,05,84,000 રૂપિયાની રક્મ ચૂકવાઇ રહી છે. શૈલેષે એપ્રિલ 2022માં શો છોડી દીધો હતો અને વર્ષની શરૂઆતમાં તેણે તેના બાકી લેણાંની ચૂકવણી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)નો સંપર્ક કર્યો હતો. નાદારી અને નાદારી સંહિતાની કલમ 9 હેઠળ મામલાની વર્ચ્યુઅલ સુનાવણી કરાઇ હતી. બન્ને પક્ષકારોના વકીલ દ્વારા સંમત થયેલી શરતો અનુસાર પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું.