મહાદેવ બેટિંગ એપ કેસમાં અધિકારીઓ દ્વારા ફરાર એક્ટર સાહિલ ખાનને મુંબઈ પોલીસે છત્તીસગઢમાંથી પકડ્યો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી નકારાયા બાદ મુંબઈ સાઇબર સેલની એક વિશેષ ટીમે (એસઆઈટી) સાહિલની ધરપકડ કરી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં સાહિલ ખાનની ભૂમિકાનો હજુ સુધી ખુલાસો નથી થયો. જોકે, પોલીસે કહ્યું કે તેમને બોલાવવાનું પ્રાથમિક કારણ એ હતું કે તેમણે એપને પ્રોત્સાહન આપ્યું અને તેનો ઉપયોગ કરવા માટે લોકોને આગ્રહ કર્યો હતો. તેના પર આરોપ છે કે તે એક પ્રમોટર તરીકે એપને અન્ય વેબસાઈટ પર પ્રમોટ કરી રહ્યો હતો. સાથે જ તેના પર લાયન બુક અને લોટસ 24x7 જેવી એપ્સ કે જે મહાદેવ એપ સાથે જોડાયેલી છે તેને પણ પ્રમોટ કરતો હતો. આમ કરીને તે કથિત રીતે ઘણો નફો કમાયો હતો. સાહિલ ખાનને આની પહેલાં એસઆઈટીએ ડિસેમ્બર 2023માં પણ પૂછપરછ માટે બોલાવ્યો હતો પરંતુ તે હાજર નહોતો થયો અને આગોતરા જામીન માટે અરજી કરીને ધરપકડ ટાળી રહ્યો હતો. સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી રદ કરાયા બાદ એક્ટરને બોમ્બે હાઈકોર્ટ દ્વારા વચગાળાની સુરક્ષા આપવામાં આવી હતી. આ પછી તે ગયા શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો ત્યારે પોલીસે તેની ત્રણેક કલાક પૂછપરછ કરી હતી.