બોલિવૂડ અભિનેત્રી નુસરતા ભરુચા ફરી એક વાર મહિલા કેન્દ્રિત અને અલગ પ્રકારની ફિલ્મ સાથે આવી છે. ઇરાક યુદ્ધમાં ફસાયેલી એક ભારતીય છોકરીની સ્ટોરી દર્શાવતી આ ફિલ્મ ‘અકેલી’ આગામી 18 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કોઇ મોટો હીરો નથી, પણ નુસરત લીડ એક્ટ્રેસમાં છે. ‘અકેલી’ ફિલ્મના પ્રમોશન દરમિયાન નુસરતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. નુસરતને સવાલ કરાયો હતો કે હીરો વિના, માત્ર મહિલા આધારિત ફિલ્મ કરતી વખતે કયા પડકારોનો સામનો કરવો પડે છે ત્યારે નુસરતે કહ્યું હતું કે વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ એટલે કે મહિલાઓ આધારિત ફિલ્મોને ઇન્ડસ્ટ્રીમાંથી સપોર્ટ નથી મળતો. નુસરતે કહ્યું હતું કે બાકીના પડકારો એક તરફ છે, પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે અમારી પોતાની ઇન્ડસ્ટ્રી જ અમારો સાથ નથી આપતી. અમને ગંભીરતાથી નથી લેતી. આ જ કારણ છે કે ઓડિયન્સના મનમાં પણ એવું આવી જાય છે કે ઠીક છે ફિલ્મ આવી છે, અને જતી પણ રહેશે. આ દૃષ્ટિકોણને બદલવાની જરૂર છે. આ દૃષ્ટિકોણ બદલાશે ત્યારે જ મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારો પર વાત થશે. આ સ્થિતિને બદલવા માટે આપણે બસ હાર નથી માનવાની અને સારી ફિલ્મો બનાવતા રહેવાની છે.