બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ચાહકોને રૂબરૂ મળીને અભિવાદન કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયત અને તાજેતરમાં શૂટિંગ દરમિયાન થયેલી ઈજા બાદ બિગ બીને ડોક્ટર્સની ટીમ દ્વારા આરામ કરવાનું સૂચન અપાયું હોવાથી ફેન્સ સાથેની સન્ડે મીટ યોજાતી નહોતી. જોકે આ રવિવારે અમિતાભ બચ્ચને પોતાના ચાહકોની સાથે મુલાકાત કરી હતી. બિગ બીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ મીટની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં અમિતાભ બચ્ચન ચાહકોને સાથે ખુલ્લા પગે મળી રહેલા જોવા મળે છે. આમ તો અમિતાભ વર્ષોથી પોતાના ચાહકોને ખુલ્લા પગે જ મળે છે, પરંતુ આની પાછળનું કારણ તેમણે હવે જાહેર કર્યું છે. અમિતાભે ચાહકોને મળતા સમયે કેમ ખુલ્લા પગે આવે છે તે વિશે વાત કરતા લખ્યું છે કે, ‘તે લોકો મને વિવાદાસ્પદ રીતે પૂછે છે. કોણ ઉઘાડા પગે ફેન્સને મળવા જાય છે? હું તેમને કહું છું. હું કરું છું. તમે મંદિરમાં ખુલ્લા પગે જ જાઓ છો. મારા શુભેચ્છકો મારું મંદિર છે. તમને તેનાથી કોઇ તકલીફ છે?’
અમિતાભની આ પોસ્ટ પર યૂઝર્સ રિએક્શન આપી રહ્યા છે. એક પ્રશંસકે કમેન્ટ સેક્શનમાં લખ્યું. ‘આ ફ્ક્ત તમે જ કહી શકો છો.’ અન્ય એક ચાહકે કહ્યુંઃ જ્યાં સુધી સિનેમામાં દિલ છે ત્યાં સુધી અમિતાભ બચ્ચન છે. ત્રીજા પ્રશંસકે લખ્યું છેઃ તમારી શબ્દોની પસંદગી ખરેખર ખાસ છે. તમારા ફેન્સનો આ રીતે ઉઘાડા પગે આભાર માનવો એ લોકો પ્રત્યે તમારો આદર અને આદર જ દર્શાવે છે જેમણે તમારી કારકિર્દીની શરૂઆતથી જ તમને પ્રેમ આપ્યો છે.’ અન્ય એક સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું કે, બિગ બી સાથે બિગ હાર્ટ પણ છો અમિતજી...