લંડનઃ ભારતમાં બી.આર. ચોપરાની મહાકથા ‘મહાભારત’ શ્રેણીનું પ્રસારણ કરવાનું જાહેર કરાયાના પગલે કલર્સ ચેનલના આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુટર્સ IndiaCast UK Ltd દ્વારા બુધવારથી યુકેમાં પ્રસારણ થવા બાબતે સમર્થન અપાયું છે.
રવિ ચોપરા દ્વારા દિગ્દર્શિત મહાભારત શ્રેણીમાં નીતિશ ભારદ્વાજ, મુકેશ ખન્ના, રુપા ગાંગુલી, ગજેન્દ્ર અને પુનિત ઈસ્સાર સહિત દિગ્ગજ અભિનેતાઓએ ભૂમિકા ભજવી છે. મહાભારત શ્રેણી સર્વપ્રથમ ૧૯૮૮-૯૦ના ગાળામાં પ્રસારિત કરાઈ હતી. તે સમયમાં આ શો જોવો તે સવારના નિત્યકર્મ જેવું બની ગયું હતું. સમગ્ર દેશના લોકો પરિવારો સહિત મહાભારત જોવા બેસી જતા હોવાથી માર્ગો સૂમસામ થઈ જતા હતા. દાયકાઓ પછી પણ, આ મહાકથા તેની સમૃદ્ધ સ્ટોરીલાઈન, ભવ્યતા અને અભિનય વડે દંતકથા સમાન ભાસે છે અને આપણા જીવનમાં યાદગીરી બની રહેલ છે.
‘મહાભારત’ શ્રેણીનું પ્રસારણ કલર્સ ટીવી પર બુધવાર ૬ મેથી દરરોજ બે કલાકના સ્લોટમાં ૨૦.૦૦ કલાકથી ૨૨.૦૦ કલાક સુધી ઈંગ્લિશ સબટાઈટલ્સ સાથે કરાશે અને તેનું રીપિટ ટેલિકાસ્ટ બીજા દિવસે બપોરે ૧૩.૩૦થી ૧૫.૩૦ દરમિયાન કરાશે. કલર્સ ટીવી SKY 706 અને Virgin 826 પર જોવાં મળશે.