રેખાનું સદાબહાર સૌંદર્ય

Wednesday 12th July 2023 07:52 EDT
 
 

રેખા હાલમાં જ ‘VOGUE’ મેગેઝિનની અરેબિયા એડિશનના કવર પેજ પર ચમકી છે. પીઢ અભિનેત્રી રેખાએ તાજેતરમાં આ મેગેઝિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે શા માટે તે લગભગ એક દાયકાથી ફિલ્મોથી દૂર છે. રેખાએ 2014થી ફિલ્મ સાઈન કરી નથી. જોકે, રેખા એવોર્ડ ફંક્શન અને બોલિવૂડ પાર્ટીમાં અવારનવાર જોવા મળે છે. ફિલ્મોથી અંતર રાખવા પાછળના કારણ અંગે રેખાએ કહ્યું હતું કે, તેણે આ નિર્ણય પોતાના માટે લીધો છેઃ ‘હું નસીબદાર છું કે મને કોઈ પણ નિર્ણય પર હા કે ના કહેવાની સ્વતંત્રતા છે. ફિલ્મોમાં કામ ન કરી રહી હોવા છતાં સિનેમા ક્યારેય મારા વ્યક્તિત્વથી અલગ નથી’.
તેણે વધુમાં ઉમેર્યું હતું કે તેની પાસે અભિનય કારકિર્દીના શરૂઆતના દિવસોની ઘણી સુંદર યાદો છે. આ યાદોના સહારે આજે પણ તેના મનમાં ફિલ્મો સાથે જોડાયેલા હોવાનો અહેસાસ છે. રેખાએ એમ પણ કહ્યું કે યોગ્ય સમયે યોગ્ય પ્રોજેક્ટ આપોઆપ મળી જશે.
વાતચીત દરમિયાન રેખાને પૂછાયું કે શું તમને લાગે છે કે સંબંધમાં આવ્યાના થોડા દિવસો પછી પ્રેમ ઓછો થઈ જાય છે. આ અંગે રેખાએ કહ્યું કે હું માનું છું કે એક વાર પ્રેમસબંધ સ્થાપિત થઈ જાય પછી તે કાયમી બની જાય છે. ક્યારેક આપણે ઇચ્છીએ છીએ કે આપણને વધુ પ્રેમ મળે અને ક્યારેક તે આપણા માટે પૂરતું હોય છે. આ જ વાત મારી કામ કરવાની રીતને પણ લાગુ પડે છે.
રેખાએ કહ્યું હતું કે હું બાળપણમાં જ કલા અને સુંદરતાનું મૂલ્ય સમજી ગઈ હતી, મેં હંમેશા આ સુંદરતાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવિક સુંદરતા અભિનેતાઓની વધુને વધુ શીખવાની અને ખુલ્લા મનથી તેમની આસપાસની સકારાત્મકતાને ગ્રહણ કરવાનો પ્રયાસ કરવાની ઇચ્છામાં રહેલી છે. આ જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે. રેખાએ એમ પણ કહ્યું કે તે આજે પણ દરરોજ અનુભવે છે કે તે ઈન્ડસ્ટ્રીમાં નવોદિત છે. તેણે કહ્યું કે તે હંમેશા એવા લોકો પર વિશ્વાસ કરે છે જેઓ તેમના કામ પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter