બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગત ચોથી એપ્રિલે તેના ઘર પર થયેલા ફાયરિંગ મામલે મોટો દાવો કર્યો છે. તેણે મુંબઈ પોલીસ સમક્ષ જણાવ્યા અનુસાર તેને લાગે છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ એ જ તેને અને તેના પરિવારને મારવા માટે ફાયરિંગ કરાવ્યું હતું. નોંધનીય છે કે મુંબઈના બાન્દ્રાસ્થિત સલમાનના ઘરે મોટરસાઇકલ પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસ ઘણા લોકોની ધરપકડ કરી ચૂકી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સ્ટોર્શન સેલ દ્વારા ગત ચોથી જૂને સલમાનનું અને તેના ભાઈ અરબાઝનું નિવેદન લેવાયું હતું, જે પોલીસે આ મામલે ફાઈલ કરેલી 1,735 પેજની ચાર્જશીટમાં સામેલ છે.
સલમાનના જણાવ્યા પ્રમાણે તેને અને તેના પરિવારને ઘણા સમયથી લોરેન્સ અને તેની ગેંગના સાગરિતો તરફથી ધમકીઓ મળી રહી છે અને તેણે પરિવારના સભ્યોને હંમેશા સતર્ક રહેવા કહેલું છે. તેણે નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે 2022માં તેના એપાર્ટમેન્ટની સામેના બાંકડા પરથી તેના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર પણ મળ્યો હતો. ત્યાર બાદ માર્ચ2023માં સલમાનના એક કર્મીને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં પણ બે શખ્સોએ સલમાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસ ખાતે ખોટી ઓળખ આપીને ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જે બંને રાજસ્થાનમાં લોરેન્સના ગામ ફઝીલકાના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.