શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન હાલ પોતાની પહેલી ફિલ્મ માટે ચર્ચામાં છે. સુહાનાએ ફિલ્મની રિલીઝ પહેલાં જ વધુ એક ક્ષેત્રમાં ડગ માંડ્યા છે. સુહાનાએ તાજેતરમાં મુંબઇના અલી બાગમાં રૂ. 12 કરોડની ખેતીની જમીન ખરીદી છે. સુહાનાએ જમીન ખરીદવા માટેના દસ્તાવેજોમાં પોતાને ખેડૂત ગણાવી છે. ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી સુહાના ખાન એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે. આર્ચીઝના પ્રમોશન માટે સુહાના સહિતના સ્ટાર કિડ્સ તાજેતરમાં બ્રાઝિલની મુલાકાતે ગયા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય નંદા પણ મુખ્ય ભૂમિકા ભજવી ભજવી રહ્યો છે. પહેલી ફિલ્મ રિલીઝ થતાં પૂર્વે જ સુહાનાએ ખેડૂત તરીકે પણ ઈન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું છે. સુહાનાએ અલી બાગમાં કરોડોની જમીન ખરીદીને તેના રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાં પોતાને ખેડૂત ગણાવી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુહાનાએ પહેલી જૂને 1.5 એકર જમીન ખરીદી હતી. જમીનની કુલ કિંમત રૂ. 12.91 કરોડ છે. જમીનમાં 2218 ચોરસ ફૂટ પર મકાન બની રહ્યું છે. જમીન ખરીદતી વખતે સુહાનાએ રૂ. 77.46 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી છે. સુહાનાએ આ જમીન ત્રણ બહેનો પાસેથી ખરીદી છે, જે તેમને વારસામાં મળી હતી. સુહાનાએ ખેતીની જમીન ખરીદી તે પહેલાં શાહરુખે અલીબાગમાં આલિશાન બંગલો બનાવ્યો હતો. શાહરુખનો આ બંગલો દરિયાકિનારે આવેલો છે. તેમાં સ્વિમિંગ પુલ અને હેલિપેડ પણ છે. શાહરુખે પોતાનો 52મો જન્મદિન અલી બાગના આ બંગલામાં જ ઉજવ્યો હતો. આમ પિતા-પુત્રી બંનેએ અલી બાગમાં રોકાણ કર્યું છે.