શિલ્પા શેટ્ટી અને તેનાં પતિ રાજ કુન્દ્રા સામે રૂ. નવ કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ થઇ છે. કોલકાત્તાની એક ખાનગી કંપની એમકે મીડિયા પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર દેવાશીષ ગુહાએ આ ફરિયાદ દાખલ કરી છે.
આ મુદ્દે પોલીસનાં જણાવ્યા મુજબ, અમે છેતરપિંડી, નાણા વસૂલી, ધમકી અને કાવતરાના આરોપ હેઠળ શિલ્પા, રાજ અને તેમની કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, શિલ્પા અને તેનાં પતિ રાજ કુન્દ્રાએ આ કંપનીને તેમની મુંબઇસ્થિત કંપની એસેન્સિયલ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ૧૦ ગણુ વળતર આપવાનો વાયદો કરી રૂ. નવ કરોડનું રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા.
રાજ અને શિલ્પાએ તેઓ આ કંપનીનાં શેરધારક છે તેમ જણાવ્યું હતું, બાદમાં એમકે મીડિયા પ્રાઇવેટ લિમિટેડે આરટીજીસી દ્વારા આ રકમ ચૂકવી હતી. જેનાં બદલે એસેન્સિયલ સ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડ તરફથી એમકે મીડિયાને ૩૦ લાખ ઇક્વિટી શેર આપવામાં આવ્યાં હતાં. પછી એમકે મીડિયાને ખબર પડી કે આ બધા જ શેર બનાવટી છે.