મે, ૨૦૧૨ની આ વાત છે. કસરતી પણ સપ્રમાણ શરીર ધરાવતો એક છોકરો સાબરમતી રેલવે સ્ટેશન નજીકના એક ગ્રાઉન્ડમાં કેટલાક છોકરાઓ સાથે ક્રિકેટ રમતો હતો. આમ તો આ ફિલ્મ ‘કાઈપો છે’નું શૂટિંગ લોકેશન હતું, પણ પરસેવે નીતરતો આ છોકરો કાસ્ટ એન્ડ ક્રૂના કેટલાક લોકો સહિત આજુબાજુના છોકરાંઓ સાથે મોજથી ક્રિકેટ રમતો હતો.
એની ફિલ્ડીંગનો વારો આવ્યો એટલે મેં એની સામેની બાજુ જઈને હાથ ઊંચો કરીને ઈશારાથી પૂછ્યું હતું કે, માત્ર પાંચ મિનિટ વાત થઈ શકે છે? તેણે આજુબાજુના ખેલાડીઓને ઈશારો કર્યો કે ગેમ ચાલુ રાખો હું આવું. મેં મારી પત્રકાર તરીકેની ઓળખ આપી અને કહ્યું કે માત્ર ચારેક સવાલ છે. કેટલાક કમિટમેન્ટ્સને કારણે તે અમુક પ્રોજેક્ટ્સની વાત નહીં કરે એ સિવાય જનરલ વાતો કરવા માટે તે રાજી થયો. ત્યાં એક જ લોખંડની ખુરશી હતી. અમે એકબીજાની સામે જોયું. એણે મને ખુરશી પર બેસવા કહ્યું. સામે એક બેન્ચ જેવું હતું. એણે જાતે જ એ ખેંચવા માટે એક ડગલું ભર્યું. મૂળતઃ ગુજરાતી હોવાથી મારું પહેલું રિએક્શન ગુજરાતીમાં જ નીકળી ગયું. ‘રહેવા દો... તમને વાંધો ના હોય તો સામે પાળીએ બેસીને વાત કરી લઈએ.’
‘ક્યા? હાં’ મને એ મારી વાત સમજ્યો હોય તેવું લાગ્યું. એણે ‘ચલો’ કીધું. જમીનથી અડધો ફૂટ ઊંચી એવી નાનકડી પરસાળની જગ્યામાં અમે બંને સામસામે બેઠક જમાવી લીધી. આ સાવ સહજ, નિખાલસ, નિરાભિમાની, તહેઝીબથી તરબતર, યંગ, એનર્જેટિક, ઈન્ટેલિજેન્ટ અને શક્યતઃ ચહેરા પર સદાય હાસ્ય રહેતું હશે એવા છોકરાની આગળ હવે સ્વર્ગસ્થ લખાઈ ગયું છે.
મને સ્વપ્નેય ખબર નહોતી કે મારે સ્વર્ગસ્થ સુશાંતસિંહ રાજપૂત માટે તેનો જૂનો ઈન્ટરવ્યુ પબ્લિશ કરવાનો વારો આવશે. મને પહેલો ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે મેં એવા સમાચાર સાંભળ્યા હતા કે સુશાંત ડિપ્રેશનનો શિકાર છે. બીજો ઝાટકો ત્યારે લાગ્યો કે જ્યારે અંદરથી કંઈ કેટલોય અશાંત સુશાંત કાયમ માટે શાંત થઈ ગયો. અલબત્ત, તેની જિંદગી માટેના હકારાત્મક અભિગમની ટ્વિટથી હતું કે, સુશાંત ડિપ્રેશનમાંથી બહાર આવી રહ્યો છે, પણ એવું બન્યું નહીં. જિંદગી જીવવાના વિચારોમાં એ કદાચ નકારાત્મક ન બન્યો હોત તો... એ ફાઈટર હતો કે નહીં એની ખબર નથી, પણ જિંદાદિલ, નાની નાની વાતે ખુશી શોધી લેનારો તો હતો જ. એ પળમાં કોઈને પણ એટલે કોઈને પણ ગરીબ તવંગર કે સ્ટેટસ જોયા વગર પોતાના બનાવી શકતો હતો.
તે વખતે પાંચેક મિનિટના ઈન્ટરવ્યુના બદલે અમે આશરે વીસેક મિનિટ ગામભરની વાતોના ગપાટા માર્યા હતાં. વૈચારિક વાતોથી લઈને તડાકા જ કહેવાય એવી વાતો. તે સમયે તેની સાથે વાત થઈ ત્યારે તે જિંદગીના દરેક પાસા માટે તૈયાર રહેનારો અને કોઈ પણ મુશ્કેલી સામે લડી લેનારો માણસ લાગ્યો હતો. શક્યતઃ મહત્ત્વાકાંક્ષા અને અપેક્ષાઓ વધે ત્યારે માણસ વધુ દુઃખી થતો જતો હશે, પણ એવું પણ સુશાંતની જિંદગી વિશેની છેલ્લી ટ્વિટમાં મને તો લાગ્યું નહોતું. તેની છેલ્લી ટ્વિટમાં દરેક પરિસ્થિતિનો ગમે તેમ પણ સામનો કરી લેવાનો તેનો મૂળ સ્વભાવ પણ છલકાયો હતો. જે સ્વભાવ વર્ષ ૨૦૧૨માં થયેલા સવાલ જવાબમાં પણ છલકાયો હતો. અહીં તેની સાથે વર્ષ ૨૦૧૨માં થયેલી વાતોના કેટલાક અંશો...
સવાલઃ એક્ટિંગ કરિયરમાં કોઈ ગોલ છે?
જવાબઃ અત્યારે ગોલ સેટ કરી શકાય એવી કે છાતી ઠોકીને કોઈ રોલ માગી લેવાની તો મારી લાયકાય નથી. અલબત્ત, હું એવું ઈચ્છું છું કે એક સમય એવો આવે કે મારી સામે દસ – બાર બહેતરીન સ્ક્રિપ્ટ પડી હોય અને હું એમાંથી એક સ્ક્રિપ્ટ પસંદ કરું. જોકે અત્યારે મારો સમય એવો નથી કે, ગોલ સેટ કરું અને એ પ્રમાણે જ મને કામ મળી જાય કે હું એવી રીતે કંઈ મેળવી શકું એવી મારી હેસિયત પણ અત્યારે તો નથી.
સવાલઃ ...તો અત્યારની તારી પરિસ્થિતિ અને સફળતા માટે શું કહીશ?
જવાબઃ હું બહુ જ વાસ્તવવાદી માણસ છું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેતી વખતે અને એન્ટ્રી લીધા પછી મને એ સમજાઈ ગયું છે કે અહીં ટકી રહેવું બહુ જ અઘરું છે. તમારું ધાર્યું કંઈ ન થાય. અલબત્ત, મને સારી જ ઓફરો થઈ રહી છે એટલે અત્યારે મને જે કંઈ ઓફર મળે છે એને સ્વીકારી લઉં છું. હા, હું એ બાબતે નસીબદાર છું કે બેક ડાન્સરમાંથી ડેઈલી શોપમાં પણ સારો રોલ મેળવી શક્યો અને એ પછી તમારી સામે બેસીને ‘કાઈપો છે’ બની રહી છે ત્યારે આ ફિલ્મ માટે ઈન્ટરવ્યુ આપું છું.
ઈટ મિન્સ અ લોટ ફોર મી. અત્યારે તો મને જે કામ મળી રહે. સારા રોલ મળી રહે એમાં મહેનત કરતો રહું કે એટલા પૂરતું મારા તરફથી એક્ટર તરીકે બધું આપી શકું એટલો સંતોષ મને મળે એટલે બહુ. મારા સંતોષની સાથે સાથે જેમને માટે હું કંઈક કામ કરું અભિનય કરું છું એમને પણ મારા કામથી સંતોષ મળવો જોઈએ. અફકોર્સ મેકર્સથી લઈને દર્શકોને... સફળતા વિશે કોઈ પણ પ્રકારનું અહીં કંઈ પણ નિવેદન તો કેવી રીતે આપી શકું? મેં તો હજી સફળતા જોઈ જ નથી. મહેસૂસ કરી જ નથી. હા એટલું ચોક્કસ કે મને સફળતા જોવી છે અને એને માણવી પણ છે.
સવાલઃ અચ્છા તો ક્યારેક ભવિષ્યમાં એવું થશે કે લાંબી બ્રાન્ડેડ આઉટફિટ્સ અને એક્સેસરી પહેરેલો સુશાંતસિંહ મોંઘીદાટ કારમાંથી બહાર પગ મૂકે લોકો ઓટોગ્રાફ માટે દોડાદોડી કરે... એને કરિયરની સફળતાનો માપદંડ ગણાવે?
જવાબઃ આઈ વિશ કે આવો દિવસ આવે... ક્યા સ્ટાર કે કલાકારને આવો દિવસ આવે એ ન ગમે? સાંભળીને પણ ખુશીથી રુંવાડા ફરકે છે તો ખરેખર આવો દિવસ આવે તો કેવું જબરદસ્ત થાય. એ કલ્પના પણ કેટલી અદભુત છે અને વર્ણવી શકાય એવી જ નથી, પણ જિંદગીમાં આ બધું જ આવે એ સફળતાનો માપદંડ કહેવાય કે નહીં એ વિશે મને શંકા છે.
સવાલઃ એટલે અગેઈન પૂછું છું કે તારા માટે સફળતા કઈ હશે?
જવાબઃ આ પ્રકારની કરિયરની સફળતા વિશે તો શું કહું, પણ આઈ થિંક મારી મરજી પ્રમાણેના કામ માટે હું બહુ જ મહેનત કરું. ફોર એન એક્ઝામ્પલ, હું કોઈ રોલ પસંદ કરું અને એ રોલ માટે મને આવડતું હોય એ બધી જ આવડત આપી હોય અને લોકોને દર્શકોને પણ એ કામ બહુ જ ગમે. બસ એવું. અને યસ, બીજું એવી ફુરસત. મારી મરજી થાય કે મારે આ કામમાં કે આ લોકો સાથે મારે સમય વીતાવવો છે અને હું કોઈ પણ ભાર કે કામના બોજ વગર, કોઈ ચિંતા વગર, કોઈના દબાણ વગર મારા પસંદીદા લોકો સાથે કે પ્રવૃત્તિમાં રહી શકું, વિના રોકટોક. મારા ગમતા લોકો સાથે સમય વીતાવી શકું એવી ફુરસત. બીજું ઉદાહરણ કે મને ડાન્સ કરવો બહુ ગમે તો હું ઈચ્છું ત્યારે મારી મરજી મુજબ એ પ્રવૃત્તિ કરી શકું. અફકોર્સ એમાં બીજાના પ્લિનંગને નુક્સાન ન પહોંચે એ રીતે, પણ મારી પાસે મારી પ્રવૃત્તિ માટેની ફુરસત પણ હોય અને દરેક સગવડ મતલબ સર્વાઈવલની ચિંતા ન હોય એવી સગવડ પણ હોય. યસ, જો હું વ્યક્તિગત રીતે અને વ્યાવસાયિક રીતે કદાચ સફળ હોઉં તો મને આવી મરજી મુજબની ફુરસત મળશે એવું હું માનું છું. જોકે સફળતા વાળા સવાલનો જવાબ તો તને આમાંથી પણ મળતો નથી. એ તું જાતે જ શોધી શકે તો ઠીક બાકી મારો જીવન જીવવાનો ફંડા આ છે.