સુશાંતસિંહ રાજપૂત કેસમાં ત્રણ વર્ષ બાદ મોટું અપડેટ આવ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, કેસમાં કેટલાક મહત્ત્વના પુરાવા મળ્યા છે, જેની વિશ્વસનીયતાની તપાસ કરાઈ રહી છે. કેટલાક લોકો પાસે આ કેસની અગત્યની માહિતી છે અને અમે તેમના સુધી પહોંચી ચૂક્યા છીએ. સુશાંત 14 જૂન 2020ના રોજ મુંબઇના બાન્દ્રા ખાતેના તેના ઘરે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળ્યો હતો. પ્રથમદર્શી રીતે આ કેસ સ્યૂસાઇડનો લાગતો હતો પણ બાદમાં મીડિયા અને વિપક્ષોના દબાણથી કેસની તપાસ સીબીઆઇને સોંપાઈ હતી. જોકે તેની તપાસમાં પણ નક્કર વાત સામે આવી નહોતી. હવે ફડણવીસે કહ્યું છે કે, સુશાંત કેસમાં કેટલાક લોકોએ અમને કહ્યું કે તેમની પાસે આ કેસ સંબંધી કેટલાક નક્કર પુરાવા છે. અમે તેમની સાથે વાત કરીને પુરાવા પોલીસને સોંપવા કહ્યું છે. હાલ આ પુરાવા મામલે તપાસ ચાલે છે, જેથી તે બાબતે વધારે કંઈ કહી શકું તેમ નથી. ઉલ્લેખનીય છે કે સુશાંતના પોસ્ટમોર્ટમ સમયે હાજર ઓટોપ્સી સ્ટાફના રૂપકુમાર શાહે અગાઉ જ દાવો કર્યો હતો કે સુશાંતે આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા કરાઈ હતી.