કોરોના મહામારી અને લોકડાઉનમાં પહેલાં પોતાના હોટેલના મેડિકલ સ્ટાફને રહેવા માટે ખોલી નાંખનારા અભિનેતા સોનુ સૂદે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીયોને વીણી વીણીને ઘર ભેગા કરવા શક્ય તમામ મહેનત કરી છે. જેના માટે સોનુને લોકોનાં આશીર્વાદ અને સરાહના મળી રહ્યાં છે.
સોનુએ શું કર્યું એ જાણવા માટે લોકોએ ગૂગલ સર્ચ કર્યું અને ગૂગલ પર સોનુ સૌથી વધુ આગળ ચાલી રહ્યો છે. સલમાન ખાન લોકડાઉનમાં પનવેલમાં છે અને ત્યાંથી તેની પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા પર મુકાઈ રહી છે. જોકે હાલમાં લોકોને સોનુના કામમાં વધુ રસ છે. સોનપ સૂદ હેલ્પલાઇન નંબર, સોનુ સૂદ બસ, સોનુ સૂદ પ્રવાસી મજૂર વગેરે ગૂગલ સર્ચમાં સૌથી વધુ ટ્રેન્ડિંગ છે.
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદે પરપ્રાંતીયોને તેમના ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરાવી હતી. બની શકે તેટલા પરપ્રાંતીયોને તેણે પોતાના લોકો પાસે પહોંચાડ્યા છે. આ ઉપરાંત કેરળની ફેક્ટરીમાં કામ કરતી ૧૭૭ યુવતીઓને વિમાન દ્વારા તેમના ઘરે પહોંચતી કરવાનું બીડું પણ સોનુએ ઝડપ્યું છે. કેરળના એન્નાકુર્લમમાં સિવણકામ અને ભરતકામનું એક કારખાનું બંધ પડવાથી ૧૭૭ યુવતીઓ ત્યાં ફસાઇ હતી. સોનુને જાણ થતાં જ તેણે કોચ્ચી અને ભુવનેશ્વર એરપોર્ટને વિમાન દ્વારા આ લોકોને લાવવાની પરમિશન લીધી હતી. બેંગલુરુથી એક ખાસ એરક્રાફ્ટ દ્વારા યુવતીઓને કોચ્ચી લાવવા અને ત્યાંથી ભુવેનેશ્વર લઇ જવાની પરવાનગી સોનુએ લીધી હતી. આ મહિલાઓનું વતન ભુવેનેશ્વરથી બે કલાકના અંતરે છે. સોનુના ભુવનેશ્વરના એક અંગત મિત્રએ આ વાતની જાણકારી મીડિયાને આપી હતી.