હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને મોટી રાહત, સજા સસ્પેન્ડ

Wednesday 13th May 2015 07:12 EDT
 
 

મુંબઇના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નસીબે ફરીથી સાથ આપ્યો છે. વર્ષ ૨૦૦૨ના આ કેસમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની સજા બોમ્બે હાઇ કોર્ટે સ્થગિત કરીને તેને રાહત આપી છે. હાઇ કોર્ટના આદેશ મુજબ સલમાનને સેશન્સ કોર્ટમાંથી રૂ. ૩૦,૦૦૦ના જામીન પર મુક્ત કરાયો છે. સલમાન પર બોલિવૂડમાં વિવિધ ફિલ્મો માટે રૂ. ૨૫૦ કરોડથી વધુ રકમ દાવ પર લાગી હોવાથી હિન્દી ફિલ્મ જગતને પણ તેની મુક્તિથી મોટી રાહત થઈ છે. બોમ્બે હાઇ કોર્ટના જસ્ટિસ અભય થિપ્સેએ સલમાનને ફટકારાયેલી પાંચ વર્ષની જેલની સજાના અમલ પર મનાઇ હુકમ આપીને કહ્યું હતું કે, ‘સલમાનની અપીલ અંગે સુનાવણી થાય અને નિર્ણય આવે ત્યાં સુધી મારે તેને (સલમાનને) જેલમાં રાખવો પડે તેવો કેસ નથી. તેની અપીલ કોર્ટમાં સ્વીકારાઈ ગઈ છે અને આદેશ બાકી છે ત્યારે તેના અધિકારથી શા માટે વંચિત રાખવો જોઈએ? ઘણા કેસમાં લોકોએ જેલમાં સજા જેટલો સમય પસાર કર્યા પછી હાઇ કોર્ટે તેમને મુક્ત કર્યા છે.’ સજા સ્થિગત કરવા સામે સરકારી વકીલે કરેલી દલીલને ફગાવતા જસ્ટિસ થિપ્સેએ કહ્યું હતું કે ‘સામાન્ય નિયમ એવો છે કે ગુનેગારની અપીલ સ્વીકારાઈ હોય અને તેની સજા સાત વર્ષથી ઓછી હોય તો તે સજા સ્થગિત થાય છે.’
જામીન મંજૂર કરવા અંગે લગભગ બે કલાક દલીલ ચાલી હતી. સલમાનના વકીલોએ રવિન્દ્ર પાટિલને મુખ્ય સાક્ષી બનાવવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તો બીજી તરફ, ઘટના સમયે કારમાં બેઠેલા ગાયક કમાલ ખાનની શા માટે આ કેસમાં પૂછપરછ થઈ નથી. કમાલ ખાન અત્યારે લંડનમાં છે.
મુંબઈની સેશન્સ કોર્ટે ૬ મેએ ૧૩ વર્ષ જૂના આ કેસમાં સલમાન ખાનને સદોષ માનવવધ સહિતના તમામ આરોપો માટે દોષિત ઠેરવી પાંચ વર્ષ કેદની સજા ફટકારી હતી, જોકે બોમ્બે હાઈકોર્ટે તે જ દિવસે બપોર પછી સલમાનને આઠમી મે સુધી બે દિવસના વચગાળાના જામીન આપતાં તેને ૮ મે સુધી જેલવાસમાંથી રાહત મળી હતી. સલમાનને સેશન્સ કોર્ટના ચુકાદાની નકલ નહીં મળી હોવાના આધારે બોમ્બે હાઈ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.
૬ મેએ સવારે ૧૧:૧૦ કલાકે મુંબઇની સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી. ડબ્લ્યુ. દેશપાંડેએ કાર્યવાહીના પ્રારંભ સાથે જ સલમાનને આઈપીસીની ધારાઓ ૩૦૪(૨)-સદોષ માનવવધ, ૨૭૯-બેફામ ડ્રાઇવિંગ, ૩૩૭ અને ૩૩૮-ઈજા પહોંચાડી અન્યના જીવ જોખમમાં મૂકવા, ૪૨૭-બદઇરાદાથી સંપત્તિને નુકસાન કરવા ઉપરાંત મોટર વિહિકલ એક્ટની ધારા ૩૪એ, બી અને ૧૮૧-નિયમોનું ઉલ્લંઘન કરી ડ્રાઇવિંગ કરવું અને ધારા ૧૮૫-નશામાં બેફામ ડ્રાઇવિંગ, બોમ્બે પ્રોહિબિશન એક્ટની ધારાઓ અંતર્ગત દોષિત ઠેરવી પાંચ વર્ષ કેદની સજા તથા રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશ દેશપાંડેએ સલમાનને જણાવ્યું હતું કે અદાલત સમક્ષ રજૂ કરાયેલા તમામ પુરાવા જોતાં પુરવાર થાય છે કે તમે નશામાં ડ્રાઇવિંગ લાઇસન્સ વિના જ બેફામ વાહન હંકારી રહ્યા હતા. કોર્ટે સલમાનને દોષિત ઠેરવતાં જ સલમાનની આંખમાં આંસુ આવ્યા હતાં. આ પ્રસંગે હાજર તેના પરિવારજનો હતાશ થયાં હતાં. તેની બંને બહેનો રડતી હતી જ્યારે માતા સલમા બેહોશ થઇ હતી.
ન્યાયાધીશે સલમાનને દોષિત ઠેરવ્યા બાદ સજા પર ફરિયાદપક્ષ અને બચાવ પક્ષની દલીલો શરૂ થઇ હતી. દલીલો પૂરી થયા બાદ ન્યાયાધીશે સજાની જાહેરાતનો ચુકાદો બપોરે ૧:૧૦ કલાક પર મુલતવી રાખ્યો હતો, જોકે કોર્ટમાં થોડો સમય વીજળી ગુલ થતાં તેમાં અવરોધ સર્જાયો હતો, બપોર બાદ ન્યાયાધીશે સજાની જાહેરાત કર્યા બાદ સલમાનના વકીલ હાઈ કોર્ટ પહોંચ્યા હતા અને સલમાનને જેલવાસમાંથી હંગામી રાહત અપાવી હતી. કોર્ટની કાર્યવાહી પૂરી કર્યા બાદ સલમાન જેલને બદલે ઘેર પહોંચવામાં સફળ રહ્યો હતો. રાત્રે ૮.૦૭ કલાકે ઘેર પહોંચેલા સલમાનને મળવા સેંકડો પ્રશંસકો એકઠા થયા હતા, જેને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
પીડિત શું કહે છે
આ કેસમાં પીડિત કલીમ પઠાણ જણાવે છે કે, અમને સલમાનની સજાથી કોઈ મતલબ નથી, અમારે તો ફક્ત વળતર જોઈએ છે. સલમાનને ફાંસી થાય કે જેલ તેનાથી તેમને કોઈ મતલબ નથી. અમને તો ખુશી ત્યારે થશે જ્યારે અમને વળતર મળશે. પગ ગુમાવી ચૂકેલા પીડિત અબ્દુલ શેખે જણાવ્યું કે, ‘કોર્ટની સજા શું અમારા બરબાદ થયેલાં ૧૩ વર્ષ પાછાં લાવી આપશે? અમે તો ઇચ્છીએ છીએ કે સલમાનને સજા ન થાય અને પીડિતોને વળતર મળે..’
કોર્ટમાં સલમાન શું બોલ્યો
કોર્ટમાં જજ ડી ડબ્લ્યુ દેશપાંડેએ જણાવ્યું કે, તમે જ નશામાં કાર ચલાવી રહ્યા હતા. તમારા પર મુકાયેલા આરોપ સાબિત થયા છે. તમારે આ અંગે કાઇ કહેવું છે? જેના જવાબમાં તેણે કહ્યું કે, ‘હું કાર ચલાવતો નહોતો. પરંતુ આપના ચુકાદાનું સન્માન કરું છું. ન્યાયના હિતમાં યોગ્ય લાગે તે પગલાં લો. હું બીઇંગ હ્યુમન સામાજિક સંસ્થાનો સ્થાપક છું. અત્યાર સુધીમાં આ સંસ્થાના કામ માટે મેં રૂ.૪૨ કરોડ આપ્યા છે. મારા સામાજિક કાર્યોને ધ્યાનમાં રાખીને મારી સજા ઓછી કરવા વિનંતી છે.’
સલમાનના ડ્રાઇવર પર કેસ ચાલશે
જુઠ્ઠી જુબાની આપનાર ડ્રાઇવર અશોકસિંહને સજા થઈ શકે છે, તેના પર ખોટી સાક્ષી આપવા માટે કેસ ચાલી શકે છે. પોલીસે તેની ધરપકડ કરી છે. અશોકસિંહ સામે ખોટી સાક્ષી આપવાના આરોપમાં કેસ નોંધાવવા સરકાર વિચારી છે. અશોકસિંહે માર્ચ ૨૦૧૫માં કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘તે રાત્રે હું કાર ચલાવી રહ્યો હતો અને સલમાન પાછળ બેઠો હતો.’
કાળિયાર કેસ પર અસર
રાજસ્થાનના જોધપુરમાં કાળિયાર હરણના શિકાર કેસમાં દોષિત ઠરે તો સલમાનને વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કોઈ આરોપી એકથી વધુ કેસમાં દોષિત ઠરે તો કોર્ટે નક્કી કરવાનું રહે છે કે, દોષિત એક સાથે સજા ભોગવશે કે પછી અલગ-અલગ...
પાક. મીડિયામાં પણ છવાયો સલમાન
હિટ એન્ડ રન કેસમાં કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરતા પાકિસ્તાની મીડિયામાં પણ આ જ સમાચારને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પાકિસ્તાની ચેનલોથી લઈને વેબસાઈટ ઉપર પણ સલમાન ખાનના કેસ અને નિર્ણયની પળેપળની ખબર આપવામાં આવી હતી. કોર્ટના આ ચૂકાદાને કારણે સલમાનના ચાહકો ખૂબ નિરાશ થયા હતા.
બોલિવૂડ સલમાનની સાથે
અનેક સેલિબ્રિટીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સલમાનખાનના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પ્રિટી ઝિન્ટા, સોનાક્ષી સિંહા અને ફિલ્મકાર આશુતોષ ગોવારિકર સલમાનના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter