હિન્દી અને બંગાળી ફિલ્મોનાં દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું ચોથી જુલાઈએ નિધન થયું છે. હજુ ગયા ફેબ્રુઆરીમાં જ તેમણે 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. માત્ર 10 વર્ષની નાની ઉંમરે બંગાળી ફિલ્મ ‘સંધ્યા’થી તેમણે કરિયરની શરૂઆત કરી હતી. એ પછી ‘નેક દિલ’, ‘અપરાજિતા’ અને ‘મોડર્ન ગર્લ’ જેવી ફિલ્મોથી લોકચાહના મેળવનારા આ અભિનેત્રીનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું યોગદાન છે. સ્મૃતિ બિસ્વાસે ડોક્ટરમાંથી ફિલ્મ ડિરેક્ટર બનેલા બનેલા એસ.ડી. નારંગ સાથે લગ્ન બાદ ફિલ્મોમાંથી સંન્યાસ લઇ લીધો હતો. છેલ્લાં દાયકાથી તેમની આર્થિક સ્થિતિ ખાસ સારી ન હતી. નાસિક ખાતે એક રૂમનાં મકાનમાં એ લગભગ ગુમનામ કહી શકાય એવી જિંદગી જીવી રહ્યા હતા. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને તેમના મૃત્યુ પર અંજલિ આપવાની સાથે સાથે તેમના કેટલાક દુર્લભ ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. હિન્દી, બંગાળી, મરાઠી ફિલ્મો કરવા સાથે સાથે તેઓ ‘લક્સ’ સાબુના મોડેલ તરીકે પણ ચમક્યા હતા. 1940થી લઈને 1960 સુધીના ગાળામાં એમણે બોલિવૂડના મોટા નામો ગણાતા વી.શાંતારામ, મૃણાલ સેન, બિમલ રોય, ગુરુદત્ત, રાજ કપૂર, બી.આર. ચોપરા, દેવ આનંદ, કિશોર કુમાર, બલરાજ સહાની વગેરે સાથે કામ કર્યું હતું. તેમણે અભિનય કર્યો હોય તેવી ફિલ્મોની સંખ્યા 30 જેટલી છે. 1930માં આવેલી બંગાળી ફિલ્મ ‘સંધ્યા’માં સૌથી પહેલી વાર તો 1960ની ‘મોડર્ન ગર્લ’માં છેલ્લી વાર અભિનય કર્યો હતો.