ગેરકાયદે શસ્ત્રો રાખવાના કેસમાં સલમાન ખાને ૩૦ એપ્રિલે જોધપુરની એક કોર્ટમાં પોતે ગુનેગાર નહીં હોવાનું જણાવ્યું હતું. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૩૧૩ હેઠળ સલમાને ૧૭ વર્ષ જૂના આ કેસમાં જોધપુરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ(સીજેએમ)ની કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. વકીલ સાથે હાજર રહેલા સલમાને કોર્ટે પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હિન્દી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ દરમિયાન ૧૯૯૮ની ૧-૨-૩ ઓક્ટોબરની મધરાતે સલમાન અને અન્ય સાથી કલાકાર પર કાળિયારનો શિકાર કરવાનો આરોપ મૂકાયો છે. જોધપુર નજીકનાં કાંકણી ગામની બહારના વિસ્તારમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સંરક્ષિત બે કાળિયાર મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનામાં સલમાન પર ગેરકાયદે શસ્ત્રો રાખવાનો અને તેમનો ઉપયોગ કરવાનો આરોપ છે, તેના પર લાયસન્સની મુદત પૂર્ણ થઈ હોય તેવાં શસ્ત્રો રાખવાનો આરોપ પણ છે.
મેજિસ્ટ્રેટે સલમાનને તેની જ્ઞાતિ વિશે પૂછતાં તે પહેલાં મૂંઝવણમાં મુકાયો હતો અને થોડીવાર વિચાર કર્યા પછી તેણે કહ્યું હતું, ‘ભારતીય’. કોર્ટે સ્પષ્ટતા કરવા જણાવ્યું તો કહ્યું કે, ‘હિન્દુ અને મુસ્લિમ’, કારણ કે, મારી માતા હિન્દુ છે અને પિતા મુસલમાન છે.