શ્રીદેવી અને જયા પ્રદાએ વચ્ચે વર્ષોથી અબોલા હતા. તાજેતરમાં તે બંને એક પાર્ટીમાં ભેગા થઇ ગયા હતા અને તેમની વચ્ચે ફક્ત સ્માઇલની આપ-લે થઇ હતી. સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહ દ્વારા આયોજિત એક પાર્ટીમાં શ્રીદેવી અને જયા પ્રદા બંને ઉપસ્થિત રહ્યા હતા. શ્રીદેવી અને જયા પ્રદાએ એક જ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તેઓ એકબીજાના હરીફ હતાં અને જે લગભગ ૨૫ વર્ષ સુધી હરીફ રહ્યાં હતાં. તે બંનેએ વર્ષ ૧૯૮૪માં ‘તોહફા’ અને ‘મકસદ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મના સેટ પર તેઓ એકબીજા સાથે એક શબ્દ પણ નહોતાં બોલતાં. તેથી ફિલ્મ મકસદના હીરો રાજેશ ખન્ના અને જિતેન્દ્રએ તેમને એક મેક-અપરૂમમાં લગભગ એક કલાક સુધી બંધ કરી દીધાં હતાં. કલાક પછી જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે બંને અભિનેત્રીઓ જુદા જુદા ખૂણે એકબીજાથી વિરુદ્ધ નજર કરીને બેઠી હતી.
અમરસિંહની પાર્ટીમાં શ્રીદેવી તેના પતિ બોની કપૂર સાથે આવી હતી, જ્યારે જયા પ્રદા અમર સિંહ સાથે આવી હતી. અમર સિંહનું કપૂર પરિવાર અને જયા પ્રદા સાથે સારું બનતું હોવાથી બંને અભિનેત્રીઓ એક જ ટેબલ પર અમર સિંહ સાથે બેઠી હતી. આ દરમિયાન બંને અભિનેત્રીઓએ એકબીજા સામે સ્માઈલ આપીને ચર્ચા કરીને તેમની ૨૫ વર્ષ જૂના અબોલાનો અંત આણ્યો હતો.