હિન્દી અને પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા મંગલ ઢિલ્લોંનું રવિવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા અને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ સૌપ્રથમ 1986માં ટીવી પડદે ‘કથા સાગર’માં અને પછી એ જ વર્ષે ‘બુનિયાદ’ સિરિયલમાં દેખાયા હતા. ‘બુનિયાદ’ સિરિયલથી તેમણે પ્રસિદ્ધિ મેળવી હતી અને ઘરેઘરે જાણીતા બન્યા હતા. તેમણે ‘ખૂન ભરી માંગ’, ‘ઝખ્મી ઔરત’, ‘દયાવાન’, ‘વિશ્વાત્મા’, ‘ભ્રષ્ટાચાર’, ‘અકેલા’, ‘જિંદગી એક જુઆ’, ‘સાહિબાન’, ‘દિલ તેરા આશિક’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ અને ‘જાનશીન’ સહિત ઘણી ફિલ્મો અને ‘જૂનૂન’, ‘કિસ્મત’ જેવી સંખ્યાબંધ ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તેમનો જન્મ પંજાબના ફરીદકોટ જિલ્લામાં એક શીખ પરિવારમાં થયો હતો. 2017માં આવેલી ‘તુફાનસિંહ’ તેમની છેલ્લી ફિલ્મ હતી.