નવી દિલ્હીઃ કોરોનાનો કાળો પડછાયો IPL 2021 સીઝન પર લંબાયો છે. ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત થવાના પગલે બાદ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરાઈ હોવાની સત્તાવાર જાહેરાત BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ મંગળવાર, ૪મેએ કરી હતી. IPLને સમગ્ર રીતે રદ કરાશે તો BCCIને લગભગ ૨,૦૦૦ કરોડ રુપિયાનું નુકસાન થશે. આ ઉપરાંત, ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવાશે તો પણ BCCIને કરોડો રુપિયાનું નુકસાન થશે
આ સીઝનમાં માત્ર ૨૯ મેચ રમાઈ હતી ત્યારે સોમવાર, ૩જી મેએ કોલકાતા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આના કારણે KKR અને RCB વચ્ચે યોજાનારી મેચ પણ સ્થગિત કરી દેવાઈ હતી. IPL ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ૯ ખેલાડી અને બે કોચ કોરોના સંક્રમિત થયા છે.
ટૂર્નામેન્ટમાં હજુ પણ ફાઈનલ સહિત ૩૧ મેચ યોજાવાની બાકી છે જેને રીશિડ્યુલ કરવામાં આવશે. આ બાકીની મેચ કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ છે તેવા અમદાવાદ, દિલ્હી, બેંગલોર અને કોલકાતા શહેરોમાં યોજાવાની હતી. બેંગલોર અને કોલકાતામાં દરરોજ ૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ રવિવારે ૨૦,૩૯૪ લોકો કોવિડ પોઝિટિવ જાહેર થયા હતા. અમદાવાદમાં દરરોજ ૫,૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
ખેલાડી અને સ્ટાફ કોરોના પોઝિટિવ
કોલકાતા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી, સંદિપ વોરિયર અને નીતીશ રાણા, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા, ડેનિયલ સિમ્સ અને અમિત મિશ્રા ઉપરાંત, દેવદત પેડિક્કલ (રોયલ ચેલેન્જર્સ બેગલોર) અને રિદ્ધિમાન સાહા (સનરાઈઝર્સ હૈદરાબાદ) તેમજ ચૈન્નઈ સુપર કિંગ્સના કોચ લક્ષ્મીપતિ બાલાજી અને મુંબઈ ઈન્ડિયન્સના કોચ કિરણ મોરે કોરોના સંક્રમિત જાહેર થયા છે. ટૂર્નામેન્ટ પહેલા પણ ઘણા ખેલાડીઓને સંક્રમણ લાગ્યું હતુ
અગાઉ ૪ ખેલાડીઓ લીગથી દૂર થયા હતા
આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત ૪ ખેલાડીઓ IPL 2021થી દૂર થઈ ચૂક્યા હતા. દિલ્હીના દિગ્ગજ ખેલાડી અશ્વિને કૌટુંબિક કારણોસર લીગમાંથી દૂર થવાનું જાહેર કર્યું હતું. તેમના સિવાય ત્રણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ આ સિઝન છોડી ચૂક્યા છે. આમાં રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યુ ટાઇ અને RCBના કેન રિચર્ડસન અને એડમ જામ્પા સામેલ છે. રિચર્ડસન અને ઝામ્પા હજી વિમાન ન મળવાથી ભારતમાં અટવાયા છે. જોકે, BCCIએ કહ્યું છે કે લીગ સમાપ્ત થયા પછી, બધા ખેલાડીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.