મુંબઇઃ ભારતમાં કોરોનાની મહામારીએ પરિસ્થિતિ કપરી બનાવી દીધી છે અને દેશના લોકો ઉપરાંત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની લીગ આઇપીએલ ઉપર પણ હવે તેની સીધી અસર પડવા લાગી છે. ગયા સપ્તાહે રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રયુ ટાય રાતોરાત વતન પરત ફર્યા હતા. રવિવારે મોડી રાત્રે દિલ્હી કેપિટલ્સના સિનિયર ખેલાડી આર. અશ્વિને તેના પરિવારનો સભ્ય કોરોના પોઝિટિવ આવવાથી લીગમાંથી બ્રેક લેવાના નિર્ણયની જાહેરાત કરી છે. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એડમ ઝમ્પા અને કેન રિચાર્ડસને સોમવારે આઇપીએલને પડતી મૂકીને ઓસ્ટ્રેલિયા પરત ફરવાની જાહેરાત કરી હતી. આમ ૫૦ કલાકના ગાળામાં ચાર વિદેશી સહિત પાંચ પ્લેયર્સે આઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
બીજી તરફ નાણાંને પ્રાધાન્ય આપી રહેલા બીસીસીઆઇએ આડકતરી રીતે સંકેત આપી દીધો હતો કે જે પ્લેયર્સને આઇપીએલમાંથી ખસી જવું હોય તે જઇ શકે છે પરંતુ લીગ તેના કાર્યક્રમ પ્રમાણે રમાશે. કેટલીક ફ્રેન્ચાઇઝી જોખમી માહોલમાં એક શહેરમાંથી બીજામાં જવા માગતા નથી. તેઓ પણ લીગ રદ થાય તેવું અંદરખાને ઇચ્છી રહ્યા છે પરંતુ તેમણે હજુ સુધી લેખિતમાં કશું આપ્યું નથી.
લોકો મરે છે તો અમારી પાછળ કરોડો કેમ ખર્ચો છો?
એન્ડ્રયુ ટાયે દાવો કર્યો છે કે આઇપીએલમાં હજુ બીજા ૧૪ ખેલાડીઓ વિવિધ ફ્રેન્ચાઇઝીમાંથી રમી રહ્યા છે અને તેમાંના ઘણા લીગને પડતી મૂકવાનો વિચાર કરી રહ્યા છે. તમામ ખેલાડીઓ બાયો-બબલમાં સતત રહેવાના કારણે માનસિક રીતે થાકી ગયા છે. મારા મતે હજુ પણ ઘણા વિદેશી ખેલાડીઓ ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ખેલાડી પોતાની માનસિક સ્થિતિ તથા હેલ્થને વધારે પ્રાધાન્ય આપીને લીગને પડતી મૂકશે તે ચોક્કસ છે. એન્ડ્રયુ ટાયે જણાવ્યું હતું કે જે દેશમાં લાખો લોકો કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યા છે ત્યાં બોર્ડ અને સરકાર અમારી પાછળ કરોડો રૂપિયા કેમ ખર્ચી રહ્યા છે?
રાજસ્થાન રોયલ્સને સૌથી મોટો ફટકો
આઇપીએલની શરૂઆતથી જ રાજસ્થાન રોયલ્સની સમસ્યાઓની યાદી વધી રહી છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઇજાના કારણે લીગમાંથી બહાર થઇ ગયો છે. જોફ્રા આર્ચરની આંગળીએ સર્જરી કરવામાં આવી રહી છે. લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રયુ ટાય પણ વતન પરત ફરી ચૂક્યા છે. અત્યારે રાજસ્થાનની ટીમને અન્ય ટીમો પાસેથી ખેલાડીઓ લોન ઉપર લેવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
કોરોના-ઇજાના કારણે પડતી મૂકનાર પ્લેયર્સ
એડમ ઝમ્પા, એન્ડ્રયુ ટાય, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોશ હેઝલવૂડ, જોશ ફિલિપ, કેન રિચાર્ડસન, લિયામ લિવિંગસ્ટોન, માર્ક વૂડ, મિચેલ માર્શ, આર. અશ્વિન