અમદાવાદઃ ભારતે ઇંગ્લેન્ડ સામે ૩-૧થી મેળવેલો શ્રેણી વિજય ઘરઆંગણે સળંગ ૧૩મો વિજય હતો અને કેપ્ટન કોહલીના નેજામાં ભારત આ સળંગ દસમી ટેસ્ટ શ્રેણી જીત્યું છે. આ શ્રેણી વિજય સાથે કોહલીએ સળંગ ૧૦ ટેસ્ટ શ્રેણી જીતવાના પોન્ટિંગના રેકોર્ડની પણ બરોબરી કરી હતી.
કોહલીએ જણાવ્યું હતું કે ભારતના ટેસ્ટ શ્રેણી વિજયમાં બીજી ટેસ્ટમાં રોહિત શર્માની ૧૬૧ રનની ઇનિંગ્સ મહત્ત્વની હતી. આ ઇનિંગ્સે જ બીજી ટેસ્ટમાં ભારતના વિજયનો પાયો નાખ્યો હતો અને ભારતે ટેસ્ટ શ્રેણી ૧-૧થી શ્રેણી બરાબર કરી હતી. આ પછી અશ્વિન અને અક્ષર પટેલની જોડી ઇંગ્લેન્ડના બેટ્સમેનો પર સ્ટીમ રોલરની જેમ ફરી વળી હતી અને તેમને રીતસરના રમવા જ દીધા ન હતા તેમ કહી શકાય.
તેની સાથે કોહલીએ ચેતવણી આપી હતી કે જો અંતિમ ક્રમના બેટ્સમેનોએ સારી બેટિંગ દાખવી ન હોત તો ટેસ્ટ શ્રેણીની સ્થિતિ કંઇક જુદી જ હોત. તેની સાથે તેણે ટોપ ઓર્ડરના બેટ્સમેનો દ્વારા સારી બેટિંગ કરવામાં આવે તેના પર ભાર મૂક્યો હતો. ટોપ ઓર્ડરમાં રોહિત શર્માને બાદ કરતાં બધા બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. જ્યારે લોઅર ઓર્ડરમાં પંત અને અશ્વિને સદી મારી હતી તો સુંદર ૮૫ અણનમ ૯૬ રનની ઇનિંગ્સ રમ્યો હતો.