બોલિવૂડમાં હલચલ મચી ગઇ છે. ના, કોઇ કૌભાંડ કે કોઇ કલાકરનું લફરું બહાર નથી આવ્યું, પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ સહિતની જાણીતી હસ્તીઓને ત્યાં દરોડા પાડીને રૂ. ૬૫૦ કરોડના બિનહિસાબી આર્થિક વ્યવહારો ખુલ્લા પાડ્યા છે. આઇટી ડિપાર્ટમેન્ટે ત્રીજી માર્ચે અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, ફિલ્મ નિર્માતા વિકાસ બહલ અને મધુ મન્ટેનાના મુંબઇ, પૂણે, દિલ્હી અને હૈદરાબાદ સ્થિત ૨૮ સ્થળે દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. ટોચની બે ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ, બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ તપાસના કેન્દ્રમાં છે. જે જૂથની તપાસ હાથ ધરાઇ છે તે મોટા ભાગે ફિલ્મ પ્રોડક્શન, વેબ સિરીઝ, એક્ટિંગ, ડાયરેક્શન, સેલિબ્રિટિના ટેલેન્ટ મેનેજમેન્ટ અને અન્ય કલાકારોની કામગીરી સાથે સંકળાયેલું છે. ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન દ્વારા કરાયેલા આર્થિક વ્યવહારોમાં રૂ. ૩૦૦ કરોડની વિસંગતતા જોવા મળી છે. બોક્સ ઓફિસ ઉપર કમાણીની સરખામણીએ ખૂબ ઓછી કમાણી દર્શાવાઇ છે. આ ઉપરાંત ફેન્ટમ ફિલ્મ્સના શેર ટ્રાન્ઝેક્શનને અંડર વેલ્યૂ બતાવીને તેમજ હેરાફેરી કરીને રૂ. ૩૫૦ કરોડની કરચોરી થયાનું ખુલ્યું છે. આ ઉપરાંત ટોચની અભિનેત્રીને રૂ. પાંચ કરોડ રોકડા અપાયાના પણ પુરાવા મળ્યા છે. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકે ખર્ચામાં ગેરરીતિ કરીને રૂ. ૨૦ કરોડની હેરાફેરી કહી હોવાનું તપાસમાં જણાયું છે. હાલ તો ૭ લોકર, ૪ બેન્ક ખાતા ઉપરાંત બન્ને ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની ઓફિસમાંથી મળેલા ડિજિટલ ડેટાની તપાસ શરૂ કરાઇ છે.
પ્રાથમિક તપાસમાં જ KRI એન્ટરટેન્મેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ વચ્ચે પૈસાની મોટા પાયે લેવડદેવડના પુરાવા મળ્યા છે. નોંધનીય છે કે KRI એન્ટરટેન્મેન્ટ જ તાપસી પન્નુની પીઆર કામગીરી સંભાળે છે.આ સંદર્ભમાં ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, ક્વાન ટેલેન્ટ હન્ટ અને એક્સીડ કંપનીની ઓફિસોમાં તપાસ ચાલે છે. દરોડા માંદ ૩ લેપટોપ, ૪ કમ્પ્યૂટર અને કેટલાંક દસ્તાવેજ જપ્ત કરાયા છે. મની લોન્ડરિંગ દ્વારા વિદેશમાં પૈસા મોકલાયા છે કે કેમ તેની પણ તપાસ ચાલે છે. મધુ મન્ટેનાની કંપની ક્વાનનાં ૪ બેન્ક ખાતાઓ ફ્રીઝ કરાયા છે.