નવી દિલ્હી:સિનિયર ખેલાડી દિનેશ કાર્તિકની કેપ્ટનશિપ હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સ યુએઇમાં વધુ એક વખત ટાઇટલ જીતવા માટે સજ્જ થઇ ચૂકી છે. આઇપીએલની ૧૩મી સિઝન પહેલાં કોલકાતા ફ્રેન્ચાઇઝીએ અમેરિકાના ૨૯ વર્ષીય પેસ બોલર અલી ખાનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આમ અલી ખાન આઇપીએલમાં રમનાર પ્રથમ અમેરિકન ખેલાડી બનશે.
પેસ બોલર હેરી ગર્નીના ઇજાગ્રસ્ત થયા બાદ કોલકાતાએ અલી ખાનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હેરી ગર્નીને ખભામાં ઈજા થઇ છે અને તેને સર્જરી કરાવવી પડશે જેના કારણે તે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે.
અલી ખાન તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ ખાતે પૂરી થયેલી કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સ ટીમનો સભ્ય હતો અને આ ટીમ ૨૦૨૦ની સિઝનમાં ચેમ્પિયન પણ બની હતી. અલી ખાને સીપીએલની આ સિઝનમાં આઠ મેચ રમી હતી જેમાં તેણે આઠ વિકેટ હાંસલ કરી હતી. તેનો ઇકોનોમી રેટ ૭.૪૩નો રહ્યો હતો. ૨૦૧૯ની સિઝનમાં કેકેઆરની ટીમ અલીને પોતાની ટીમમાં સામેલ કરવા માગતી હતી પરંતુ મેનેજમેન્ટ ચોક્કસ નિર્ણય લઇ શક્યું નહોતું.
અલી ખાનની સીપીએલમાં એન્ટ્રી ડ્વેન બ્રાવોના કારણે થઇ હતી અને તેણે લીગમાં પોતાના પ્રથમ બોલે જ કુમાર સંગાકારાની વિકેટ લીધી
હતી. અલી ખાન આ પહેલાં પાકિસ્તાન તથા બાંગ્લાદેશની ટી૨૦ લીગમાં પણ રમી ચૂક્યો છે.