દુબઇઃ દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલની બીજી મેચ રવિવારે દુબઈમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલે સુપર ઓવરમાં પંજાબને હરાવ્યું હતું. જોકે આ રોમાંચક મેચને વિવાદનું ગ્રહણ લાગ્યું છે.
ટીવી રિપ્લેના ક્લિપિંગ્સ સ્પષ્ટ દર્શાવે છે કે અમ્પાયરે કિંગ્સ ઇલેવન પંજાબને જે શોર્ટ રન કોલ આપ્યો હતો તે ખરેખર તો તેની ચૂક હતી. જો અમ્પાયરે આ ચૂક ના કરી હોત તો સંભવત કિંગ્સ ઇલેવન પંજાબ મેચના છેલ્લા બોલ પૂર્વે જ જીતી ગયુ હોત અને સુપર ઓવર રમવાની જરૂરત જ ન પડી હોત.
મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની શરૂઆત ખૂબ જ નબળી હતી. ધવન, પૃથ્વી શો અને હેટમાયર નિષ્ફળ સાબિત થયા હતા. ધવન શૂન્ય, શો પાંચ અને હેટમાયર ૭ રનના અંગત સ્કોરે પેવેલિયનમાં પાછા ફર્યા હતા. સુકાની શ્રેયસ ઐયર (૩૯) અને રિષભ પંત (૩૧)એ બાજી સંભાળતા દિલ્હીનો સ્કોર સન્માનજનક સ્થિતિ સુધી પહોંચ્યો હતો. જોકે સ્ટોઈનિસે ૨૧ બોલમાં ૫૩ રનની સ્ફોટક ઈનિંગ રમીને દિલ્હીનો કુલ સ્કોર ૧૫૭ પહોંચાડી દીધો હતો. પંજાબને જીતવા ૧૫૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
પંજાબની ટીમે ૫૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. તેનું ઓપનિંગ ઓર્ડર અને મીડલ ઓર્ડર સદંતર નિષ્ફળ નિવડયું હતું. સુકાની રાહુલ ૨૧ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બીજી તરફ મીડલ ઓર્ડરમાં આવેલા કરુણ નાયર ૧, પૂરણ શૂન્ય જ્યારે મેક્સવેલ ૧ રને આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ સરફરાઝ અને ગોથમે અનુક્રમે ૧૨ અને ૨૦ રન નોંધાવ્યા. ઓપનિંગમાં આવેલા મયંકે (૬૦ બોલમાં ૮૯ રન) અંતિમ બોલ સુધી સંઘર્ષ કરીને સ્કોર સરભર કર્યો હતો.
ભારે રસાકસી વચ્ચે બે બોલમાં બે વિકેટ પડી તે સમયે સ્કોર સરભર હોવાથી ટાઇ પડી હતી. મેચ અનિર્ણિત રહેતા સુપર ઓવર રમાઇ હતી, જેમાં દિલ્હી કેપિટલે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું હતું.
અને પંજાબ જીતેલી બાજી હાર્યુંઃ કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીઓએ દિલ્હી કેપિટલ્સ સામેના મેચ દરમિયાન અણીના સમયે ફિલ્ડ અમ્પાયર નીતિન મેનને આપેલા વિવાદાસ્પદ શોર્ટ રન કોલ સામે મેચ રેફરીને ફરિયાદ નોંધાવી છે.
મેચ સુપર ઓવરમાં ગઇ તે પહેલાં ટીવી ફૂટેજમાં સ્પષ્ટ જણાતું હતું કે સ્ક્વેર લેગ અમ્પાયર મેનને ૧૯મી ઓવરના ત્રીજા બોલે ક્રિસ જોર્ડનને શોર્ટ રન માટે ચેતવ્યો હતો. જોકે ટીવી રિપ્લેમાં સ્પષ્ટ જણાતું હતું કે જોર્ડનનું બેટ ક્રિઝની અંદર હતું અને તેણે પ્રથમ રન પૂરો કરી લીધો હતો.
રસપ્રદ બાબત એ છે કે ટેક્નિકલ પુરાવા હોવા છતાં ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય બદલવામાં આવ્યો નહોતો. અંતિમ ઓવરમાં પંજાબને ૧૩ રન કરવાના હતા અને અગ્રવાલે પ્રથમ ત્રણ બોલમાં ૧૨ રન કર્યા હતા. પંજાબની ટીમ એક રન માટે પાછળ રહી ગઇ હતી અને મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.
રોયલ ચેલેન્જર્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ
ઓપનર પડ્ડીકલ અને ડીવિલિયર્સે નોંધાવેલી આક્રમક અડધી સદી બાદ લેગ સ્પિનર ચહલે ૧૯ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સોમવારે શારજાહમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૧૦ રને હરાવી આઇપીએલમાં ટી૨૦ ક્રિકેટ લીગમાં વિજયી પ્રારંભ કર્યો હતો.
હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. બેંગ્લોરે પાંચ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૫૩ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. રનચેઝ કરનાર હૈદરાબાદની ટીમ એક સમયે ત્રણ વિકેટે ૧૨૧ રન બનાવીને વિજય તરફ આગળ વધી રહી હતી ત્યારે ચહલે એક જ ઓવરમાં બે વિકેટ ખેરવીને હૈદરાબાદના પતનની શરૂઆત કરી હતી.
ઓપનર દેવદત્ત પડિક્કલે આઇપીએલમાં હૈદરાબાદ સામે રમીને પદાર્પણ કર્યું હતું અને તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ ૪૨ બોલમાં ૫૬ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી.
સાઉથ આફ્રિકન પ્લેયર ડીવિલિયર્સે ૩૦ બોલમાં ૫૧ રનની ઇનિંગ્સ રમી હતી જેમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર હતી. આ સાથે ડિવિલિયર્સે બેંગ્લોરની ટીમ માટે ૨૦૦ સિક્સર પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. આઇપીએલમાં ડીવિલિયર્સની આ ૩૪મી અડધી સદી હતી.
સુપર કિંગ્સ વિ. મુંબઇ ઇંડિયન્સ
અંબાતી રાયડુ અને ફાફ ડુ પ્લેસિસે નોંધાવેલી અડધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે અબુધાબીમાં શનિવારે રમાયેલી આઇપીએલ - સિઝન ૧૩ના પહેલા મુકાબલામાં ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.
ટોસ જીતીને ચેન્નઈએ પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. મુંબઈના નવ વિકેટે ૧૬૨ રનના જવાબમાં ચેન્નઈએ ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૩ રન કર્યા હતા.
આમ ચેન્નઈએ પાંચ મેચ બાદ મુંબઈને પ્રથમ વખત હરાવ્યું હતું. રાયડુએ ૪૮ બોલમાં ૭૧ રન તથા ડુ પ્લેસિસે ૪૪ બોલમાં અણનમ ૫૫ રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૧૫ રનની ભાગીદારી નોંધાઈ હતી.