આ છે અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

૧૧ પિચ, ૧.૧૦ લાખ દર્શક ક્ષમતા, ૬૩ એકરમાં ફેલાવો, રૂ. ૮૦૦ કરોડનો ખર્ચ

નીલેશ પરમાર Wednesday 24th February 2021 06:05 EST
 
 

અમદાવાદઃ પહેલા કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને હવે અમદાવાદમાં ક્રિકેટ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી ગુજરાતને બીજી અવિસ્મરણીય ભેટ મળી છે. ૬૩ એકરનો વિશાળ વિસ્તાર અને અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર થયેલું આ સ્ટેડિયમ ૧.૧૦ લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડનું બહુમાન ધરાવતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) કરતાં પણ ૧૦ હજાર દર્શકો વધુ! ૨૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ ભવ્યાતિભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે અને ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.

આ શાનદાર સ્ટેડિયમની પરિકલ્પના તત્કાલિન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરી હતી. અને તેને સાકાર કરવાનું બીડું ઉઠાવ્યું ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના તત્કાલીન સુકાની અને હાલના ગૃહ પ્રધાન અમિત શાહે. જીસીએના તત્કાલિન વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને જોઇન્ટ સેક્રેટરી જય શાહે પ્રોજેક્ટને મૂર્તિમંત કરવા કમર કસી. રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટ નથવાણીએ સ્ટેડિયમના નિર્માણ માટે એલએન્ડટી કંપનીને કોન્ટ્રેક્ટ સુપરત કરાયો ત્યારે શબ્દો ઉચ્ચાર્યા હતા કે આ સ્ટેડિયમનું નિર્માણ એટલું શાનદાર બનશે કે ક્રિકેટચાહકો માટે અહીં મેચ નિહાળવાનો અવસર યાદગાર બની રહેશે.

સાચી વાત તો એ છે કે ક્રિકેટચાહકો જ નહીં, ખુદ ક્રિકેટર્સ માટે પણ અહીં રમવાનો અનુભવ યાદગાર બની રહે તેવું આ ભવ્ય ગ્રાઉન્ડ છે. ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક એમસીજીની ડિઝાઇન તૈયાર કરનાર જગવિખ્યાત પોપ્યુલસ કંપનીએ જ ડિઝાઇન કરેલા આ સરદાર પટેલ સ્ટેડિયમમાં ઘણું બધું એવું છે જે દુનિયાના બીજા કોઇ સ્ટેડિયમમાં નથી. કુલ ૧૧ પિચ, ૬ ઇન્ડોર પ્રેક્ટિસ પિચ, હાઇ-ટેક જીમનેશ્યમ સાથે જોડાયેલા ૪ ડ્રેસિંગ રૂમ, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ, ગ્રાઉન્ડની રચના પણ એવી કે વરસાદ પડશે તો ૩૦ જ મિનિટમાં પાણી બહાર નીકળી જશે અને મેચ ફરી શરૂ થઇ શકશે.
આ ઉપરાંત ભાવિ ક્રિકેટર્સને તાલીમ આપવા કોચિંગ એકેડેમી. ક્રિકેટ વિશ્વની યાદગાર પળોને સાચવતો ભવ્ય હોલ ઓફ ફેમ. મેચના રોમાંચની પળેપળનો અનુભવ કરાવતા ૭૬ કોર્પોરેટ સ્કાય બોક્સ અને ૧.૧૦ લાખ દર્શકોને સમાવવાની ક્ષમતા. બાય ધ વે, હાલ ઓસ્ટ્રેલિયાનું એમસીજી વિશ્વમાં સૌથી વધુ ૧ લાખ દર્શકો જ્યારે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કોલકતાનું ઇડન ગાર્ડન ૬૬ હજાર દર્શકો સમાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ૩૦૦૦ કાર અને ૧૦ હજાર ટુ-વ્હિલરના પાર્કિંગની સગવડ. ત્રણ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ, જેથી દર્શકોની અવરજવર દરમિયાન કોઇ અવ્યવસ્થા-અંધાધૂંધી ન સર્જાય. અને આટલું વિશાળ સ્ટેડિયમ સ્ટ્રક્ચર હોવા છતાં પિલર-લેસ. સ્ટેડિયમમાં ક્યાંય પણ પિલર ન હોવાથી દર્શક સ્ટેડિયમના કોઇ પણ ખૂણેથી કોઇ પણ જાતની અડચણ વગર મેચની મજા માણી શકશે.

ખેલાડીઓ અભિભૂત

ક્રિકેટ વિશ્વના આ શાનદાર ગ્રાઉન્ડનો નજારો નિહાળીને ક્રિકેટર્સ પણ આશ્ચર્યચકિત છે. પિન્ક બોલ ટેસ્ટ માટે અમદાવાદ પહોંચી ગયેલી ભારત અને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ શનિવારે નેટ પ્રેક્ટિસ માટે મેદાનમાં ઉતર્યા ત્યારે ચર્ચાનો વિષય મેચ કે સિરીઝ નહીં, પરંતુ આ સ્ટેડિયમ હતું. દુનિયાભરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી ચૂકેલા આ ખેલાડીઓને તમામ સવલત-સુવિધા જાણતા અને સમજતા જ કલાક લાગ્યો હતો. હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ સુવિધાથી અભિભૂત છે.
તેજતર્રાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે અમને ગૌરવ છે કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આપણે ત્યાં છે. ડ્રેસિંગ રૂમ સાથે જ હાઇ-ટેક જીમ કનેક્ટેડ હોય તેવું પહેલી વાર અહીં જોયું. આ બહુ સારી વાત છે. અહીં એટલી બધી ફેસિલિટી છે કે બધા ખેલાડી દંગ રહી ગયા છે. તેણે જણાવ્યું હતું કે પ્રામાણિક્તાથી કહું તો આવડા મોટા સ્ટેડિયમમાં હવે પ્રેક્ષકો આવે અને ક્રિકેટનો માહોલ જામે તે માટે બહુ જ એક્સાઇટેડ છું. જ્યારે સૌરાષ્ટ્રના ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનું કહેવું હતું કે કંઇક અલગ જ લાગણી થઇ રહી છે. અમે બધા જ આ વિશાળ સ્ટેડિયમમાં પિન્ક બોલથી ટેસ્ટ રમવા ઉત્સુક છીએ. ઓપનર મયંક અગ્રવાલ પણ ગ્રાઉન્ડની ભવ્યતાથી એટલો જ અભિભૂત છે. તેણે કહ્યું હતું કે સ્ટેડિયમ કોમ્પલેક્સમાં પ્રવેશતાં જ અદભૂત લાગણી થતી હતી. આટલા મોટા ગ્રાઉન્ડ પર અમે ક્યારેય રમ્યા નથી.

પ્રવાસન ક્ષેત્રે નવલું નજરાણું

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમથી ક્રિકેટર્સ કે ક્રિકેટના ચાહકો જ નહીં, રાજ્યના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ રોમાંચિત છે. તેમના મતે આ શાનદાર સ્ટેડિયમથી રાજ્યના પ્રવાસન સ્થળોમાં એક નવલું નજરાણું ઉમેરાયું છે, જે પ્રવાસન ઉદ્યોગ માટે લાભકારક બની રહેશે.
ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇંડિયા (‘ટાફી’)ના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી અને ચીકી ટ્રાવેલ્સના સંચાલક અંકિત બજાજ ‘ગુજરાત સમાચાર’ને કહે છે કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં લાઇવ મેચ નિહાળવાની મજા માણવા દુનિયાભરમાંથી ક્રિકેટના શોખીનો અમદાવાદ આવશે અને એક વખત તેઓ અમદાવાદ આવશે તો ચોક્કસ ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. જે માત્ર પ્રવાસન ઉદ્યોગ માટે જ નહીં, રાજ્યના અર્થતંત્ર માટે ઉપકારક બની રહેશે. અંકિતભાઇ કહે છે કે રાજ્યના પ્રવાસન વિભાગે આ શાનદાર સ્ટેડિયમને પ્રવાસન સ્થળોની યાદીમાં સામેલ કરીને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે પ્રમોટ કરવું જોઇએ. પ્રવાસન સ્થળોની યાદીમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ઉમેરાશે તો ક્રિકેટ મેચ હોય કે ન હોય, મુલાકાતીઓ અહીં આવતા રહેશે.

એક સાલ બાદ...

નવનિર્મિત સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવવા માટે આયોજકો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)એ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને આમંત્રિત કર્યા હતા. હવે નક્કી થયું છે કે રાષ્ટ્રપતિ કોવિંદ ૨૪મી ફેબ્રુઆરી - બુધવારે સરદાર પટેલ સ્ટેડિયમનું વિધિવત્ ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગૃહ પ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, જીસીએના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી, વર્તમાન વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બરાબર એક વર્ષ અગાઉ ૨૪ ફેબ્રુઆરીએ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્ટેડિયમમાં વિશાળ જનસભાને સંબોધી હતી.

૨ ટેસ્ટ અને ૫ ટી-૨૦ મેચની સિરીઝ

ભારત ઘરઆંગણે બીજી વખત પિન્ક બોલ ટેસ્ટ રમી રહ્યું છે. પહેલી મેચ તે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમ્યું હતું. ૨૪મીથી રમાનારી ભારત-ઈંગ્લેન્ડ ડે-નાઇટ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ છે, અને બન્ને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે. બન્ને ટીમ આ ટેસ્ટ જીતવા પૂરી તાકાત અજમાવશે કેમ કે આ મેચના પરિણામ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં તેમના ભાવિનો આધાર છે. આ પછી ચોથી માર્ચથી બન્ને ટીમ વચ્ચે અહીં જ ચોથી ટેસ્ટ અને સિરીઝની આખરી ટેસ્ટ રમાશે. આ પછી ૧૨ માર્ચથી પાંચ મેચની ટ્વેન્ટી-૨૦ સિરીઝ પણ રમાશે.

સરદાર પટેલ સ્ટેડિયમઃ ઉડતી નજરે

• ૧૯૮૩માં સ્ટેડિયમનું નિર્માણ • ૨૦૧૭માં નવનિર્માણનો પ્રારંભ • કુલ ખર્ચ રૂ. ૮૦૦ કરોડ • કુલ વિસ્તાર ૬૩ એકર • ૧.૧૦ લાખ દર્શકોની ક્ષમતા • ૭૬ સ્કાય બોક્સ • ૧૧ પિચ • ૬ ઇન્ડોર પ્રેક્ટિસ પિચ • ૪ ડ્રેસિંગ રૂમ - હાઇ-ટેક જીમ સાથે જોડાયેલા • ઇન્ડોર ક્રિકેટ એકેડેમી • ૫૫ રૂમ સાથેનું ક્લબ હાઉસ
• ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ • ૩૦૦૦ કાર - ૧૦ હજાર ટુ-વ્હિલરના પાર્કિંગની સુવિધા • કુલ ખર્ચ રૂ. ૭૦૦ કરોડ • સમગ્ર સ્ટેડિયમ પિલર-લેસ

વિશ્વના મહાકાય ક્રિકેટ સ્ટેડિયમમાં એક લટાર

• ભારત - સરદાર પટેલ સ્ટેડિયમ (અમદાવાદ) - ૧૧૦,૦૦૦ લાખ દર્શક • ઓસ્ટ્રેલિયા - મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (મેલબોર્ન) - ૧૦૦,૦૨૪
• ન્યૂઝીલેન્ડ - એડન પાર્ક (ઓકલેન્ડ) ૪૨,૦૦૦ • શ્રીલંકા - પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) - ૩૫,૦૦૨ • પાકિસ્તાન - નેશનલ સ્ટેડિયમ (કરાચી) - ૩૪,૨૨૮
• ઇંગ્લેન્ડ - લોર્ડ્સ (લંડન) - ૩૦,૦૦૦ • વેસ્ટ ઇંડિઝ - કેનસીંગ્ટન ઓવલ (બ્રીજટાઉન) - ૨૮,૦૦૦ • સાઉથ આફ્રિકા - વોન્ડરર્સ સ્ટેડિયમ (જ્હોનિસબર્ગ) - ૨૮,૦૦૦ • બાંગ્લાદેશ - શેર-એ-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમ (ઢાકા) - ૨૫,૪૧૬ દર્શક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter