નવી દિલ્હીઃ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે, આઈપીએલની ૧૪મી સિઝનની તમામ મેચ આ વર્ષે ભારતમાં જ રમાશે. લગભગ બે વર્ષ પછી આઈપીએલ ભારતમાં પરત ફર્યું છે.
આઈપીએલ-૧૪ની તમામ મેચોનું આયોજન અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નઇ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં પણ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ છે કે, સિઝનની પ્રથમ મેચ નવ એપ્રિલે ચેન્નઇમાં રમાશે, જે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચે રમાશે. જ્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલની પ્લેઓફ રમાશે અને ૩૦ મે ૨૦૨૧ના રોજ આ મેદાન પર જ આઈપીએલની ફાઇનલ રમાશે. આ મેદાન પર પ્રથમવાર આઈપીએલની મેચ રમાશે.
લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાન પર મેચ રમશે. ૫૬ લીગ મેચમાંથી ચેન્નઇ, કોલકાતા, મુંબઇ અને બેંગ્લુરૂમાં ૧૦-૧૦ મેચ રમાશે જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં આઠ-આઠ મેચ રમાશે. આ વર્ષની વિશેષતા એ છે કે તમામે તમામ મેચ ન્યુટ્રલ વેન્યૂ પર રમાડવામાં આવશે. કોઈ પણ ટીમ પોતાના ઘરઆંગણાના મેદાન પર કોઈ મેચ નહીં રમે. દરેક ટીમ ૬માંથી ૪ મેદાનો પર પોતાની લીગ સ્ટેજની મેચ રમશે.
ટૂર્નામેન્ટ બાયો બબલમાં
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, આ વખતે ભારતમાં આઈપીએલ રમાવાની છે પણ ગત વર્ષે જેમ યુએઈમાં બાયો બબલની સિસ્ટમ રાખવામાં આવી હતી તેવી જ સિસ્ટમ ભારતમાં પણ લાગુ કરવામાં આવી છે. દેશમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આઈપીએલની શરૂઆતની મેચ દર્શકોની હાજરી વગર જ રમાડવામાં આવશે. જ્યાં સ્થિતિ સુધરશે અને તંત્ર પરવાનગી આપશે ત્યાં જ પાછળની મેચમાં દર્શકોને હાજરી આપવાની પરવાનગી અપાશે.
આંકડાઓમાં આઇપીએલ-૧૪
• ૮ ટીમ • ૫૨ દિવસ • ૫૬ મેચ • ૨ ટીમ બપોરે ૨-૨ મેચ રમશે • ૧૧ ડબલ હેડર • ૬ ટીમ બપોરે ૩-૩ મેચ રમશે • ૧૦-૧૦ મેચ ચેન્નઇ, કોલકાતા, મુંબઇ અને બેંગ્લુરૂમાં રમાશે • ૮-૮ મેચ અમદાવાદ અને દિલ્હીમાં રમાશે • ૪ મેદાનો ઉપર દરેક ટીમ પોતાની લીગ મેચ રમશે