નવી દિલ્હીઃ આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલુ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે અને આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ટૂંક સમયમાં તૈયારીઓ શરૂ કરે તેવી સંભાવના છે.
એક અહેવાલ અનુસાર, આઇપીએલ ટી૨૦ લીગની ૧૪મી સિઝન માટે જે ૬ સેન્ટરને પસંદ કરવામાં આવ્યા છે તે શહેરોમાં જ ટી૨૦ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવામાં આવશે કારણ કે કોરોનાના કારણે ઘણા ઓછા શહેરને ટી૨૦ વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળશે. આઇપીએલ ૨૦૨૧ની યજમાન કરનાર છ શહેરને બીસીસીઆઇ ટી૨૦ વર્લ્ડ કપના સ્થાન માટે શોર્ટલિસ્ટ કરી શકે છે. સામાન્ય રીતે આઇસીસીના આયોજન સ્થળો તથા તારીખોની જાહેરાત ટૂર્નામેન્ટ શરૂ થવાના ઓછામાં ઓછા છ મહિના પહેલાં કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે કોવિડ-૧૯ની સમસ્યાના કારણે વિલંબ થઇ શકે છે.
બેંગ્લોર-ચેન્નઇને સેમિફાઇનલ, અમદાવાદને ફાઇનલ
આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ માટે સંભવિત પસંદ કરાયેલા છ સેન્ટરમાંથી ચેન્નઇ અને બેંગ્લોરને સેમિ-ફાઇનલની યજમાની આપવામાં આવશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો રમાડવામાં આવે તેવી પૂરી સંભાવના છે. ૨૦૧૬ના વર્લ્ડ કપમાં દિલ્હી, મુંબઇ અને કોલકાતાને નોકઆઉટ મેચો મળી હોવાના કારણે આ વખતે તેમને આ મુકાબલાથી દૂર રાખવામાં આવશે. જોકે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ અને કોલકાતાના ઇડન ગાર્ડન્સના ઐતિહાસિક દરજ્જાને ધ્યાનમાં રાખીને નોકઆઉટ માટેના સેન્ટરનો હાલમાં નિર્ણય લેવામાં આવશે નહીં.
આઠ શહેરનું પ્લાનિંગ કર્યું હતું
ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રારંભમાં આઠ શહેરમાં ટૂર્નામેન્ટ આયોજિત કરવાનું પ્લાનિંગ કર્યું હતું. જોકે કોરોના વાઇરસની મહામારીના કારણે બોર્ડને ફરીથી વિચારણા કરવાની ફરજ પડી છે. ટીમોના પ્રવાસની સમસ્યાથી બચવા માટે બોર્ડ ઓછામાં ઓછા શહેરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. આગામી આઇપીએલ ટી૨૦ વર્લ્ડ કપ માટે એક ડ્રેસ રિહર્સલ તરીકે કાર્ય કરશે.
ધર્મશાલા-મોહાલીની બાદબાકી થશે
ટી૨૦ વર્લ્ડ કપના પ્લાનિંગમાં બીસીસીઆઇએ મુંબઇ, અમદાવાદ, ચેન્નઇ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, મોહાલી અને ધર્મશાલાને શોર્ટ લિસ્ટ કર્યા હતા પરંતુ હવે મોહાલી અને ધર્મશાલાને બહાર કરવામાં આવે તેવી સંભાવના છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે એક મેચ માટે બે શહેરનો વારંવાર પ્રવાસ ખેડવો જોખમકારક બની શકે છે. જો મેદાન ઓછા હશે તો આયોજન કરવામાં અમને કોઇ મુશ્કેલી નડશે નહીં.