મુંબઇઃ કોરોના મહામારીના કારણે અધવચ્ચે અટકાવાયેલી આઈપીએલ ૨૦૨૧ની બાકી રહેલી ૩૧ મેચનું આયોજન ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર વચ્ચે યુએઈમાં કરાઇ શકે છે. ચોથી મેના રોજ બાયો-બબલમાં કોરોનાના કેસ સામે આવતા લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ટૂર્નામેન્ટની નવી તારીખની જાહેરાત ૨૯ મેના રોજ કરશે.
બીસીસીઆઈની સ્પેશિયલ જનરલ મીટિંગ ૨૯ મેના રોજ થવાની છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ૪ ઓગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર સુધી ૫ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. બીજી અને ત્રીજી ટેસ્ટ સાથે કુલ ૯ દિવસનો ગેપ છે. સુત્રોએ કહ્યું કે જો ગેપ ૪ દિવસનો થઇ જાય છે તો બીસીસીઆઇને આઇપીએલના આયોજન માટે વધુ ૫ દિવસ મળી શકે છે. બીસીસીઆઇએ ઇસીબી સામે માંગ મૂકી નથી. ટી-૨૦ વર્લ્ડ કપ પણ ઓક્ટોમ્બર-નવેમ્બરમાં રમવાની છે. જોકે હજુ સુધી તેનો કાર્યક્રમ નથી આવ્યો, પણ ૧૯ ઓક્ટોબરથી તેની શરૂઆત થઇ શકે છે. ભારતમાં કોરોના કેસ વધવાના કારણ વર્લ્ડ કપ પણ યુએઇમાં થઇ શકે છે. એવામાં આઇપીએલની પ્લેઓફમાં નહીં પહોંચનાર ખેલાડીઓ પહેલાથી જ પોતાની ટીમ સાથે જોડાઇ શકે છે.