દુબઇઃ આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગનું વાર્ષિક અપડેટ કરાયું છે, જેમાં આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ ભારતે ટોચનું જ્યારે ન્યૂઝીલેન્ડે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત એક રેટિંગ પોઇન્ટના ઉમેરા સાથે ૧૨૧ પોઇન્ટ પર પહોંચ્યું છે તો ન્યૂઝીલેન્ડ બે પોઇન્ટના ઉમેરા બાદ એક જ પોઈન્ટ પાછળ છે. ભારતે ઓસ્ટ્રેલિયા પર ૨-૧થી અને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ૩-૧થી વિજય મેળવ્યો છે. જ્યારે ન્યૂઝીલેન્ડે વિન્ડીઝ અને પાકિસ્તાન સામે ૨-૦થી શ્રેણી વિજય મેળવીને આગેકૂચ જારી રાખી હતી. છેલ્લા અપડેટમાં મે ૨૦૨૦થી રમાયેલી બધી મેચોને ૧૦૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું છે અને અગાઉના બે વર્ષની મેચોની ૫૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું છે. આના આધારે ઇંગ્લેન્ડે ૨૦૧૭-૧૮ની એશીઝમાં ઓસ્ટ્રેલિયાને ૪-૦થી હરાવ્યું હોવાથી તેના ૧૦૯ પ્લસ ત્રણ પોઇન્ટ થતાં તે ત્રીજા સ્થાને આવી ગયું છે. ઓસ્ટ્રેલિયા ૧૦૮ (માઇનસ ૫) પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. પાકિસ્તાન ત્રણ પોઇન્ટ મેળવીને ત્રીજા સ્થાને આવ્યું છે તો શ્રીલંકા સામે શ્રેણી ૦-૦થી ડ્રો કર્યા પછી બાંગ્લાદેશ સામે ૨-૦થી વિજય મેળવનાર વિન્ડીઝ છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. વિન્ડીઝની ૨૦૧૩ પછીની આ શ્રેષ્ઠ સ્થિતિ છે. સાઉથ આફ્રિકા સાતમા સ્થાને છે અને તેના ટેસ્ટ ઇતિહાસના સૌથી નીચા સ્થાને છે. બાંગ્લાદેશે પાંચ પોઇન્ટ ગુમાવ્યા છે પરંતુ તે નવમા સ્થાને છે.