નવી દિલ્હીઃ ચુસ્ત શિડ્યૂલ અને કોરોનાને કારણે મુલત્વી રખાયેલી આઇપીએલની બાકીની મેચો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાય તેવી શક્યતા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ફરીથી દેશમાં ટૂર્નામેન્ટ યોજવાનું જોખમ લેવા માંગતુ નથી. આ સંજોગોમાં ઇંગ્લેન્ડ સહિત ચાર દેશોએ આઇપીએલની બાકી મેચો માટે હોસ્ટ બનવા તત્પરતા દાખવી છે.
ઉલ્લેખનીય છે કે ગઈ સિઝનની જેમ આ વખતે પણ યુએઈમાં આઈપીએલ મેચ રમાડવાની ચર્ચા થઈ હતી. જોકે ભારતે ઇંગ્લેન્ડમાં ૧૪ સપ્ટેમ્બર સુધી ટેસ્ટ રમવાની છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડની ૪ કાઉન્ટી ક્લબ, મિડલસેક્સ, સરે, વોરવિકશાયર અને લેન્કેશાયરે પણ આઈપીએલ મેચ રમાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી હવે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટનો ફેઝ-૨ હોસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલું જ નહીં, આ ઉપરાંત હજુ ઘણા વધુ દેશો તરફથી ટૂર્નામેન્ટ હોસ્ટ કરવાની ઓફર આવી શકે છે.
ગાંગુલી અને શાહ ઇંગ્લેન્ડ જઈ શકે
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ ૧૮ જૂને સાઉથમ્પટનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ કપની ફાઈનલ મેચ પ્રસંગે ઇંગ્લેન્ડ જઈ શકે છે. જાણકાર સૂત્રો અનુસાર આ પ્રવાસ દરમિયાન ગાંગુલી-શાહની જોડી આઇપીએલની બાકીની મેચને ઇંગ્લેન્ડમાં રમાડવા માટેની સંભાવના પર ચર્ચા વિચારણા કરી શકે છે.
નફાનો સોદો હોવાથી પડાપડી
આઈપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. તેમાંથી મળતી આવક અન્ય રમતો કરતાં ઘણી વધારે છે. બીસીસીઆઈ તેના માટે છૂટા હાથે નાણાં વાપરે છે. પાછલી સિઝનમાં યુએઈને આમાંથી લગભગ રૂ. ૧૦૦ કરોડનો ફાયદો થયો હતો. જ્યારે કોરોનાના કારણે ઘણા દેશોના ક્રિકેટ બોર્ડને નુકસાન વેઠવું પડ્યું હતું.