ગ્વાટેમાલ સિટીઃ ભારતીય તીરંદાજોની સ્ટાર જોડી દીપિકા કુમારી અને તેના પતિ અતનુ દાસે બે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતતા ભારતે વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ પોતાના નામે કર્યા છે.
વિશ્વની ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત દીપિકાએ પોતાની કારકિર્દીમાં વર્લ્ડ કપનો ત્રીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી તરફ અતનુએ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ ગોલ્ડ જીતીને મેન્સ રિકર્વ વ્યક્તિગત ઇવેન્ટમાં બાજી મારી હતી. બંને તીરંદાજે વર્લ્ડ કપ ફાઇનલ માટે ક્વોલિફાય પણ કરી લીધું છે. ભારતની રિકર્વ આર્ચરી ટીમનું આ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે જેમાં તેમણે બે વ્યક્તિગત અને એક ટીમ ઇવેન્ટનો ગોલ્ડ જીત્યો છે. રિકર્વ મેન્સમાં પણ ભારતનું આ બેસ્ટ પ્રદર્શન છે. છેલ્લે ૨૦૦૯માં જયંત તાલુકદારે ક્રોએશિયામાં ગોલ્ડ જીત્યો હતો. ભારત માટે દીપિકા, અંકિતા ભક્ત અને કોમલિકા બારીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. ત્રણેય તીરંદાજોએ શૂટઆઉટમાં મેક્સિકોને ૫-૪ના સ્કોરથી હરાવ્યું હતું. આ પહેલાં અંકિતા અને અતનુએ અમેરિકાને ૬-૨ના સ્કોરથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. છેલ્લે દીપિકા અને અતનુએ ભારતનો ગોલ્ડ અપાવ્યો હતો. દીપિકાએ અમેરિકાની આઠમી ક્રમાંકિત મેકેન્ઝી બ્રાઉનને ૬-૫થી તથા અતનુએ સ્પેનના ડેનિયલ કાસ્ત્રોને ૬-૪ના સ્કોરથી હરાવ્યો હતો. દીપિકાએ ૨૦૧૮માં સોલ્ટ લેક સિટી ખાતે પોતાનો પ્રથમ ગોલ્ડ જીત્યો હતો.