દુબઇ: સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની સિરીઝમાં ૩-૦થી વિજય હાંસલ કરીને ઇંગ્લેન્ડની ટીમ આઇસીસીની નવી ટી૨૦ રેન્કિંગમાં નંબર-૧ ટીમ બની ગઇ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ક્રમાંકે હતી અને ભારતીય ટીમ ત્રીજા ક્રમે છે. આઇસીસીના નવા રેન્કિંગમાં ભારત બાદ પાકિસ્તાન ચોથા, સાઉથ આફ્રિકા પાંચમા તથા ન્યૂઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે.
ખેલાડીઓની યાદીમાં ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન બેટ્સમેનોની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે. પાકિસ્તાનનો બાબર આઝમ બીજા, ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ ત્રીજા અને ભારતનો લોકેશ રાહુલ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં નવમા તથા રોહિત શર્મા ૧૦મા ક્રમે છે.
આઇસીસી ટી૨૦ બોલર્સની યાદીમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ ક્રમાંકે છે. જ્યારે બીજા ક્રમે મુજીબ ઉર રહેમાન છે. રહેમાન પણ અફઘાનિસ્તાનનો બોલર છે. ટી૨૦ બોલર્સના ટોપ-૧૦માં એક પણ ભારતીય બોલર નથી. ઓલરાઉન્ડર્સની યાદીમાં પ્રથમ ક્રમે અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી છે અને બીજા ક્રમે બાંગ્લાદેશનો સાકિબ અલ હસન છે.
ઓલરાઉન્ડર્સની યાદીમાં પણ એકેય ભારતીય ટોપ-૧૦માં નથી. ટી૨૦ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ડેવિડ મલાનને ઘણો ફાયદો થયો છે. તેણે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં ૮૬.૫૦ની એવરેજથી ૧૬૧.૬૮ના સ્ટ્રાઇક રેટથી કુલ ૧૭૩ રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.