એજબસ્ટનઃ ભારત સામેની વર્લ્ટ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ શરૂ થતાં અગાઉ જ ન્યુઝીલેન્ડે મોટી જીત હાંસલ કરી છે. ન્યુઝીલેન્ડે રવિવારે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં આઠ વિકેટે હરાવ્યું હતું. એજબસ્ટનમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૩૩૩ રન કર્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે ૩૮૮ રન કરીને લીડ મેળવી હતી. જોકે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો દાવ માત્ર ૧૨૨ રનમાં સમેટાઇ ગયો હતો. આમ ન્યુઝીલેન્ડને મેચ જીતવા ૪૧ રનનું લક્ષ્ય મળ્યું હતું, જે તેણે બે વિકેટના ભોગે હાંસલ કરી લીધું હતું. આ વિજય સાથે કિવિ ટીમે બે ટેસ્ટની સિરીઝ પર પણ ૧-૦થી કબજો મેળવ્યો છે. ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની સિદ્ધિ ૨૨ વર્ષના લાંબા અંતરાલ બાદ હાંસલ કરી છે. કિવિ ટીમે છેલ્લા ૧૯૯૯માં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી લીધી હતી.
ન્યુઝીલેન્ડને આ વિજય સાથે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. તેણે ટીમ ઇન્ડિયાને પછાડીને પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. નોંધનીય છે કે ૧૮-૨૨ જૂન દરમિયાન સાઉધમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં કિવિ ટીમે ઇંગ્લેન્ડની ટીમ સામે સતત સારો દેખાવ કર્યો છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ લોર્ડ્સ પર રમાઈ હતી જે ડ્રોમાં પરિણમી હતી. તેમાં પણ કિવિ ટીમ ઇંગ્લેન્ડની ટીમ પર હાવી રહી હતી.