લંડનઃ ઈંગ્લેન્ડ ટીમના લેજન્ડરી સ્ટ્રાઈકર જીમ્મી ગ્રીવ્સનું રવિવારે ૮૧ વર્ષની વયે અવસાન થતાં રમતજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ગ્રીવ્સ છેલ્લા કેટલાક સમયથી બીમારીઓ સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે કલબ કક્ષાએ ૩૮૨ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૪૪ ગોલ ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડના ફૂટબોલ ઈતિહાસના બહેતરિન સ્ટ્રાઈકર્સમાં તેઓ અગ્રેસર સ્થાન ધરાવતા હતા. ઈપીએલ કલબ ટોટેનહામ સ્પર્સ તરફથી તેમણે સર્વાધિક ૨૬૬ ગોલ ફટકાર્યા હતા. ચેલ્સી તરફથી પણ તેમણે ૧૩૨ ગોલ નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડ ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એકમાત્ર વખત ચેમ્પિયન બન્યું છે અને તે ટીમમાં ગ્રીવ્સ પણ સામેલ હતા. તેમણે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ છ ગોલ હેટ્રિક નોંધાવી હતી. તેમને ઈંગ્લિશ ફૂટબોલના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું હતું. તેઓને વર્ષ ૨૦૧૫માં સ્ટ્રોક આવ્યો તે પછી તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું અને તેમને નિયમિત રીતે હોસ્પિટલની મુલાકાત લેવી પડતી હતી. તેમને આ વર્ષે જ ક્વીને એમબીઈ ખિતાબથી સન્માન કર્યું હતું.
ગ્રીવ્સને વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ ૪૩ વર્ષે મળ્યો!
ઈંગ્લેન્ડની ટીમ ૧૯૬૬ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. તે સમયે ફિફાના નિયમ અનુસાર માત્ર મેદાન પર રમવા ઉતરનારા ખેલાડીઓને જ મેડલ આપવામાં આવતા હતા. ટીમના અવેજી ખેલાડીઓને મેડલ મળતાં નહતા. ગ્રીવ્સે ગ્રૂપ સ્ટેજની તમામ મેચોમાં ભાગ લીધો હતો અને ટીમને આગેકૂચ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે ફ્રાન્સ સામેની આખરી લીગ મેચ તેઓ ઈજાના કારણે તેઓ રમી શક્યા નહોતા. ફિફાના નિયમ અનુસાર તેમને મેડલ અપાયો નહોતો. આખરે ૨૦૦૯માં ફિફાએ નિયમ બદલ્યો ત્યારે તેમને ૧૯૬૬માં વર્લ્ડ કપ જીતવા બદલ મેડલ અપાયો હતો.