બ્યૂનોસ એરિસઃ બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ આર્જેન્ટિનાના જાદુઇ ખેલાડી ડિએગો મારાડોનાનાં નિધન અંગે ભાવસભર શ્રદ્ધાંજલિ આપીને જણાવ્યું હતું કે ‘એક દિવસ અમે બંને સાથે સ્વર્ગમાં ફૂટબોલ રમીશું’. પેલેનું મારાડોના સાથે જ ફૂટબોલના બાદશાહ તરીકે સન્માન કરવામાં આવે છે. મારાડોનાનું ૨૫ નવેમ્બરે હાર્ટ એટેકનાં કારણે નિધન થયું હતું.
પેલેએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘આ ઘણા દુઃખદ સમાચાર છે. મેં મારો એક સારો દોસ્ત અને દુનિયાએ એક મહાન ફૂટબોલર ગુમાવ્યો છે. તેના માટે મારે ઘણું કહેવું છે પરંતુ અત્યારે તો ઇશ્વર તેના પરિવારને શક્તિ તથા દિલાસો આપે તેવી મારી પ્રાર્થના છે. આશા છે કે એક દિવસ અમે સ્વર્ગમાં ક્યાંક સાથે ફૂટબોલ રમીશું.’
પેલે અને મારાડોના એકબીજાના પ્રશંસક હતા. બંનેની વયમાં બે દશકાનો ફરક હતો પરંતુ ગાઢ મિત્રતા હતી. ફૂટબોલની રમતને વધારે લોકપ્રિય બનાવવા માટે બંનેનાં યોગદાનને વિશ્વભરના સમર્થકોએ વખાણ્યું છે.
મારાડોના જિંદગી સામેનો જંગ હાર્યો
આર્જેન્ટિનાના ફૂટબોલ લેજન્ડ ઓલટાઈમ સુપરસ્ટાર ડિએગો મારાડોનાના નિધનને પગલે સમગ્ર રમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ૬૦ વર્ષીય મારાડોનાએ હજુ બે સપ્તાહ પહેલા જ બ્રેઈન સર્જરી કરાવી હતી. જોકે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતુ. ઈ.સ. ૧૯૮૬માં આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનારા કેપ્ટન મારાડોનાની કારકિર્દી સફળતાના શિખરોને ચૂમવાની સાથે વિવાદોથી પણ ઘેરાયેલી રહી હતી.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૧૭ વર્ષની કારકિર્દીમાં મારાડોનાએ ૯૧ મેચમાં ૩૪ ગોલ ફટકાર્યા હતા. જ્યારે કલબ ફૂટબોલમાં તેણે બોકા જુનિયર્સ, બાર્સેલોના, સેવિયા સહિતની ટીમોનું પ્રતિનિધિત્વ કરતાં કુલ ૪૯૧ મેચોમાં ૨૫૯ ગોલ નોંધાવ્યા હતા.
લોકપ્રિય, પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ
ડ્રગ્સ અને આલ્કોહોલની લતની સાથે બેફામ નિવેદનોને કારણે તે અવારનવાર વિવાદમાં સપડાયો રહેતો હતો. બ્રાઝિલના લેજન્ડરી ખેલાડી પેલે સાથેના તેના સંબંધો ખટમીઠા રહ્યા હતા. ફિફાએ સદીના મહાન ખેલાડી તરીકે પેલે અને મારાડોનાનું સંયુક્ત સન્માન કર્યું હતું.
ઈ.સ. ૧૯૮૬ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની ક્વાર્ટર ફાઈનલમાં તેનો ‘હેન્ડ ઓફ ગોડ’ ગોલ વર્ષો સુધી ચર્ચામાં રહ્યો હતો. ૨૦૦૨માં તેના ગોલને ફિફાના ઓનલાઈન સર્વેમાં ગોલ ઓફ ધ સેન્ચ્યુરી તરીકે બિરદાવવામાં આવ્યો હતો.
ફ્રી કિક એક્સપર્ટ તરીકેની ઓળખ ધરાવતા આર્જેન્ટાઈન પ્લેમેકર મારાડોનાએ નિવૃત્તિ બાદ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને ૨૦૧૦ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિના તેના માર્ગદર્શનમાં મેદાનમાં ઉતર્યું હતુ. જોકે કોચ તરીકે તેને ખાસ સફળતા મળી શકી નહતી.
ફૂટબોલના જાદુગર તરીકેની ઓળખ ધરાવતા મારાડોનાએ ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને ઈ.સ. ૧૯૯૪ના વર્લ્ડ કપ પૂર્વે ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતું. મારાડોના છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સામે સંઘર્ષ કરી રહ્યો હતો.
બે સપ્તાહ પહેલા જ બ્રેઈનમાં બ્લડ ક્લોટ જોવા મળતાં તેણે ઓપરેશન કરાવ્યું હતુ અને ત્યાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જે પછી તેને આર્જેન્ટીનાના ટાઈગર શહેરમાં તેના ઘરે હતો, ત્યારે હાર્ટ એટેકમાં તેનું નિધન થયું હતું.
ભારતના રમતપ્રેમીઓમાં પણ લોકપ્રિય
ભારતમાં ક્રિકેટ અને હોકી સિવાય કોઈ રમતમાં ચાહકોને સહેજે રસ ન હતો ત્યારે રંગીન ટીવીના પ્રસારણ સાથે સ્ટેફી ગ્રાફ અને બોરિસ બેકરના લીધે ટેનિસની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ચાહકોને રસ જાગ્યો હતો જ્યારે મારાડોનાને લીધે ફૂટબોલમાં. દૂરદર્શન પરથી વિમ્બલ્ડન જેવી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ફાઈનલનું પ્રસારણ થતું તો ’૮૦ના દાયકામાં જ ૧૯૮૬ની વર્લ્ડ કપ ફૂટબોલ મેક્સિકોમાં યોજાઈ હતી. જેની મહત્ત્વની મેચોનું ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે જીવંત પ્રસારણ થતું હતું. મારાડોનાની વીજળીવેગી રમત વિશે જાણીને ચાહકોએ ઉજાગરા શરૂ કર્યા હતા.
માત્ર પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાાઈ અને બેઠી દડીનો મારાડોના અન્ય યુરોપિયન પડછંદ ખેલાડીઓ વચ્ચે કદમાં વામણો લાગતો હતો, પણ રમતમાં વિરાટ જણાતો હતો. બોલ જાણે તેના બુટ જોડે ચોંટી ગયા હોય તેમ ઈચ્છે તેમ પ્લેસમેન્ટ કરી શકતો હતો.
આર્જેન્ટિનાએ પશ્ચિમ જર્મનીને ૩-૨થી ફાઈનલમાં હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઈલનમાં આર્જેન્ટિનાએ તેના કટ્ટર હરીફ ઈંગ્લેન્ડને ૨-૧તી હરાવી બહાર કર્યું. મારાડોનાએ બે ગોલ કર્યા જેમાં એક ‘હેન્ડ ઓફ ગોડ’ તરીકે વિખ્યાત અમર થઈ ગયેલ ગોલ હતો.