લંડન: ઇંગ્લેન્ડના ખેલાડીઓ સામુહિક રીતે એશિઝ સીરિઝનો બહિષ્કાર કરી શકે છે. કારણ છે ઓસ્ટ્રેલિયામાં બાયો-બબલ અને પરિવાર માટે કડક ક્વોરન્ટાઇનનો નિયમ. મોટા ભાગના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની સરકારના એ નિવેદનથી ચિંતામાં છે જેમાં કહેવાયું છે કે એશિઝ સીરિઝ દરમ્યાન ખેલાડીઓના પરિવારને ના તો કોઇ વિશેષ ટ્રીટમેન્ટ અપાશે, ના તો તેમને ક્વોરન્ટાઇનના નિયમમાં છુટછાટ મળશે.
ખેલાડીઓ ઇચ્છે છે કે તેમને હોટેલમાં ૧૪ દિવસના હાર્ડ ક્વોરન્ટાઇનમાં રાહત અપાય. જોકે ક્વોરન્ટાઇનમાંથી નીકળ્યા બાદ સૌથી મોટી તકલીફ બાયો-બબલના કડક નિયમની રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પહેલાં જ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને જણાવી દીધું છે કે એશિઝ દરમ્યાન કડક ક્વોરન્ટાઇન નિયમ લાગુ કરશે. જો ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં હોટેલ સુધી સીમિત રાખવાના હોય અને સામાન્ય જીવન જીવવાની કે હરવાફરવાની પરવાનગી ન અપાવાની હોય તો બહુમતી ઇંગ્લીશ ખેલાડીઓ એશિઝનો સામુહિક બહિષ્કાર કરી શકે છે.
જો ખેલાડીઓને ગોલ્ફ રમવા દેવાની, મેચ સિવાય હોટેલની બહાર નીકળવા માટે મંજુરી અપાતી હોય તો તેઓ પરિવાર વગર પણ એશિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા તૈયાર છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ખેલાડીઓને ચિંતા છે કે જો તેમનામાંથી એક પણ ખેલાડી કોવિડ પોઝિટિવ આવશે તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કડક નિયમ લાગુ કરી દેશે. તેમને માત્ર ટ્રેનિંગ અને મેચ માટે બહાર જવાની અનુમતિ રહેશે.
અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નિયમ
ઓસ્ટ્રેલિયામાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નિયમો લાગુ છે. ક્વીંસલેન્ડ અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં કેસ જરા પણ નથી એટલા માટે પહેલી બે ટેસ્ટના વેન્યુ બ્રિસ્બેન અને એડિલેડમાં ખેલાડીઓને નિયમમાં છુટછાટ મળશે. જોકે વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સમાં બાયો-બબલના કડક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. અહીં સિડની અને મેલબોર્ન ટેસ્ટ રમાવાની છે. પર્થમાં રમાનાર પાંચમી ટેસ્ટને સિડની શિફ્ટ કરવામાં આવી શકે છે કારણ કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક યાત્રીઓ પર પણ બે સપ્તાહનો ક્વોરન્ટાઇન લાગુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પરિવારના સભ્યો માટેની શરતો અને બાયો-બબલ પ્રતિબંધ અંગેના પ્રશ્નોના જવાબ આપશે આ પછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને પુછશે કે કોણ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવા માગે છે. ત્યારબાદ એશિઝ માટે ઇંગ્લેન્ડ ટીમ પસંદ કરાશે. ઉલ્લેખનીય છે કે પહેલી ટેસ્ટ આઠ ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં શરૂ થશે.