લંડનઃ એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે સ્ટુઅર્ટ બ્રોડને શાનદાર વિદાય આપી. બ્રોડે ઓવલ ટેસ્ટમાં અંતિમ 2 વિકેટ ઝડપી ટેસ્ટ વિકેટનો આંક 604 પર પહોંચાડી કરિયરનો અંત કર્યો. આ પહેલા બ્રોડે બેટિંગમાં પોતે રમેલા અંતિમ બોલે છગ્ગો પણ ફટકાર્યો હતો. આમ બ્રોડે બેટિંગ અને બોલિંગમાં કરિયરનો અંત જે રીતે કર્યો તે યાદગાર રહેશે. 384 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 334 રને ઓલઆઉટ થઈ. આ સાથે એશિઝ 2-2ની બરાબરીએ પૂર્ણ થઈ છે. ઓસ્ટ્રેલિયા ટ્રોફી રિટેન કરવામાં સફળ રહ્યું પરંતુ તેણે 2001 બાદ ઈંગ્લેન્ડમાં એશિઝ સીરિઝ જીતવાની તક ગુમાવી. ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનાર ક્રિસ વોક્સ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. જ્યારે તેને અને સ્ટાર્કને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરાયા.