દુબઈઃ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી પૂજા રાની (૭૫ કિલોગ્રામ)એ ઉઝબેકિસ્તાનની મેવલુદા મોવલોનોવાને હરાવી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. જોકે મેરી કોમ સાથે બીજી બે બોક્સરોએ સિલ્વર મેડલ જીત્યા છે. છ વખતની ચેમ્પિયન મેરી કોમ (૫૧ કિલોગ્રામ)ને પણ સિલ્વર મેડલ સંતોષ માનવો પડયો હતો.
પૂજાને આ ટુર્નામેન્ટમાં એકમાં વોકઓવર અને એકમાં બાય મળી હતી. આ ટાઇટલ જીતવા બદલ તેને દસ હજાર ડોલરનું ઇનામ મળશે. આ ઉપરાંત છ વખતની ચેમ્પિયન મેરી કોમ (૫૧ કિલોગ્રામ), ટુર્નામેન્ટમાં પહેલી વખત રમવા ઉતરેલી લાલબૌત્સેહી (૬૪ કિલોગ્રામ) અને ૮૧ કિલોગ્રામમાં અનુપમાએ સિલ્વર મેડલ મેળવ્યા છે.
આ ત્રણેય મેચ લાગે છે તેટલી સરળ ન હતી, એકદમ સંઘર્ષપૂર્ણ હતી. બીજા નંબરે આવનારને પાંચ હજાર ડોલર મળ્યા છે. ઓલિમ્પિક્સમાં રમવા જનારી મેરી કોમને કઝાખસ્તાનની નઝીમ ક્યાઝૈબૈએ ૨-૩થી સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હરાવી હતી. મણિપુરની સુપરસ્ટારનો આ ટુર્નામેન્ટમાં સાતમો ચંદ્રક હતો. તેણે ૨૦૦૩માં અહીં ગોલ્ડ જીત્યો હતો. આમ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તે પાંચ ગોલ્ડ અને બે સિલ્વર જીતી ચૂકી છે.
લાલ્બૌત્સેહી ભારતની ટીમમાં અનુભવી ખેલાડી બાસુમતારીના રિપ્લેસમેન્ટ તરીકે આવી હતી, જેના પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો છે. મિઝો બોક્સરે તેના મુક્કાઓના પ્રહાર વડે હરીફ બોક્સરની પરિસ્થિતિ બગાડી દીધી હતી, પરંતુ તે અંતિમ રાઉન્ડમાં જોઈએ તેવી ગતિ પકડી શકી ન હતી. ક્યાઝૈબે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન અને છ વખતની નેશનલ ચેમ્પિયન છે.