લાહોરઃ લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે. છ ટીમને એ અને બી ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ મેચના અંતે ટોચની બે- બે ટીમ સુપર ફોરમાં પ્રવેશી અન્ય ત્રણ ટીમો સામે 1-1 મેચ રમશે. જેમાં ટોપની બે ટીમ ફાઇનલમાં રમશે. ભારત તેની પાકિસ્તાન સહિતની અન્ય મેચ શ્રીલંકામાં રમશે. ભારત-પાક. મેચ કેન્ડીમાં રમાશે. જો ભારત-પાક. ફાઇનલમાં પહોંચ્યા તો તેમની વચ્ચે ત્રણ મુકાબલા રમાઈ શકે છે.
ટુર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં યોજાશે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટક્કર બીજી સપ્ટેમ્બરે કેન્ડીમાં થશે. ભારતે પાકિસ્તાનમાં કોઈ પણ સંજોગોમાં રમવા જવું ન પડે તેવી રીતે આયોજન થયું છે. ભારત–પાક. અને નેપાળને ગ્રુપ ‘એ’માં રાખવામાં આવ્યા છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ ‘બી’માં રહેશે. પાકિસ્તાનમાં ચાર મેચ યોજાશે જેમાં મુલતાનમાં ઉદ્ધાટન મેચ પછી એક સુપર ફોરની મેચ સહિત ત્રણ મેચો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. આ સુપર ફોરની મેચમાં ભારત પ્રવેશશે તો તેની મેચ પાકિસ્તાનમાં નહીં રમાય.
બાંગ્લાદેશ 3 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે લાહોરમાં ટકરાશે જ્યારે પાંચ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે લાહોરમાં મુકાબલો થશે.
ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડી હોઈ ડ્રાફ્ટ શેડ્યુલમાં એવું નક્કી થયું છે કે ભારત-પાક સુપર ફોરમાં જે પણ ક્રમે રહે પણ તેઓને એ-વન અને એ-ટુનો ક્રમ અપાશે. એ-વન અને એ-ટુ વચ્ચેની મેચ શ્રીલંકામાં રમાશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ ઉદાહરણ તરીકે બી-વન અને બી-ટુ રહેશે. એવું મનાય છે કે ભારત, પાક. શ્રીલંકા અને બાંગ્લાદેશ સુપર ફોરમાં પ્રવેશના દાવેદાર છે.
નેપાળ અને અફઘાનિસ્તાન બંને કે બેમાંથી કોઈ એક પણ સુપર ફોરમાં પ્રવેશશે તો તેઓ બી વન અને બી ટુ ગણાશે. લાહોરમાં સુપર ફોરની એક મેચ એ વન એટલે કે પાકિસ્તાન અને બી ટુ વચ્ચે રમાશે.
જો ભારત અને પાકિસ્તાન સુપર ફોરમાં પ્રવેશશે તો તેઓ વચ્ચે 10 સપ્ટેમ્બરે કેન્ડીમાં મેચ યોજાશે. કોલંબોમાં સુપર ફોરની ત્રણ મેચ રમાનાર છે.